સુરતીલાલાઓને મોંઘવારીનો માર નડશે..!! ફાફડા-જલેબીમાં ૧૦ ટકાનો ભાવ વધારો

355

દશેરાના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગતા હોય છે પણ આ વર્ષે તેમાં પણ મંદી અને મોંઘવારીનો માર દેખાઈ રહ્યો છે. ફરસાણના વેપારીઓને આ વર્ષે ફાફડા-જલેબીના ૫૦ ટકા ઓછા ઑર્ડર મળ્યાં છે.

કોઈ પણ તહેવાર હોય, સુરતીલાલાઓ તેને ધામધૂમથી ઉજવે છે. આજે એટલે કે મંગળવારે દશેરાનો તહેવાર છે. દશેરાએ સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે.

દશેરાના લીધે ફરસાણના વેપારીઓ આગલા દિવસથી જ તૈયારી કરતા હોય છે. આ ઉપરાંત દશેરાના દિવસે ફરસાણની દુકાન બહાર ફાફડા અને જલેબી લેવા માટે લાઇનો લાગતી હોય છે. જેના પગલે અમુક કારખાનેદારો અને મોટા જથ્થામાં ખરીદી કરતા લોકો આગલા દિવસથી જ ઑર્ડર આપી દેતા હોય છે. પરંતુ આ વર્ષે મંદીને કારણે વેપારીઓને નહિવાત ઑર્ડર મળ્યાં છે.

દર વર્ષે ફાફડા અને જલેબીના જથ્થાબંધ ઑર્ડરને કારણે ફરસાણના વેપારીઓ આગલા દિવસથી જ ફાફડા અને જલેબી બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીમાં પણ મંદી દેખાઈ રહી છે.

ગત વર્ષ કરતા આ વર્ષે તમામ વસ્તુઓમાં ૧૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેના પગલે ફાફડા જલેબીના ભાવમાં રૂ. ૨૦નો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે સુરતમાં ફાફડા ૩૪૦ રૂપિયે કિલો અને ઘીમાં બનાવેલી જલેબી ૪૪૦ રૂપિયે તેમજ તેલમાં બનાવેલી જલેબી ૨૦૦ રૂપિયે કિલો મળી રહી છે.

Previous articleસીટબેલ્ટ વગર બસ ચલાવતા ડ્રાઈવરને રૂ. ૫૦૦નો દંડ ફટકારાયો
Next articleકોંગી નેતા જયરાજ સિંહની નારાજગી દૂર થઈ, કહ્યુંઃ ચૂંટણી પ્રચારમાં લાગી જઇશ