દ.આફ્રિકા સામે પ્રથમ દિવસના અંતે ભારત ૨૭૩/૩, અગ્રવાલે સતત બીજી મેચમાં સદી મારી

356

ભારત બીજી ટેસ્ટમાં પુણે ખાતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં ભારતે દિવસના અંતે ૩ વિકેટ ગુમાવીને ૨૭૩ રન કર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં ૧૯૫ બોલમાં ૧૦૮ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી હતી. તે સહેવાગ પછી દ.આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે. ગઈ મેચમાં વિશખાપટ્ટનમમાં તેણે ૨૧૫ રન ફટકાર્યા હતા. સહેવાગે ૨૦૧૦માં પ્રોટિયાસ સામે સતત બે ટેસ્ટમાં સદી મારી હતી. તેણે નાગપુરમાં ૧૦૯ અને કોલકાતામાં ૧૬૫ રનની ઇનિંગ્સ રમી હતી. અગ્રવાલ સિવાય ચેતેશ્વર પુજારાએ પણ પોતાની લયનો ફાયદો ઉઠાવતો કરિયરની ૨૨મી ફિફટી મારી હતી. તેણે ૧૧૨ બોલમાં ૯ ચોક્કા અને ૧ છગ્ગાની મદદથી ૫૮ રન કર્યા હતા. તેમજ બીજી વિકેટ માટે મયંક અગ્રવાલ સાથે ૧૩૮ રનની ભાગીદારી કરી હતી. તેના આઉટ થયા પછી વિરાટ કોહલીએ પોતાની આગવી શૈલીથી બેટિંગ કરીને દ.આફ્રિકાને મેચમાં કમબેક કરવાની તક આપી ન હતી. કોહલીએ પોતાના કરિયરની ૨૩મી ફિફટી મારી છે. દિવસના અંતે તે ૬૩ રને અને અજિંક્ય રહાણે ૧૮ રને અણનમ હતા. ગઈ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર રોહિત શર્મા ૧૪ રને રબાડાની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.

Previous articleવર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ મેરી કોમનો સેમિફાઇનલમાં પ્રવેશ, આઠમો મેડલ પાક્કો
Next articleભારતનો સ્ટાર બેટ્‌સમેન મનીષ પાંડે અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે પરણશે