આતંકીઓએ ફરી બિન-કાશ્મીરીઓને બનાવ્યા ટાર્ગેટ, ૨ મજૂરોના મોત, ઇમરજન્સી એલર્ટ જાહેર

70

૨૪ કલાકમાં આ ત્રીજો એવો આતંકવાદી હુમલો છે જેમાં બિન કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવ્યા છે
નવી દિલ્હી, તા.૧૭
જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો છે. કુલગામમાં થયેલા આતંકવાદી ફાયરિંગમાં બે બિન કાશ્મીરી મજૂરોના મોત થયા છે. મજૂર બિહારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ૨૪ કલાકમાં આ ત્રીજો એવો આતંકવાદી હુમલો છે જેમાં બિન કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે આતંકવાદી સેનાની કાર્યવાહીથી એટલા ગભરાઇ ગયેલા છે કે સામાન્ય નાગરિકોને, બિન કાશ્મીરીઓને અને ખાસકરીને હિંદુઓને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં ઇદગાહ પાસે પાણીપુરીવાળા અરવિંદની હત્યા કરી દીધી હતી. તેના માથા પર ગોળી મારીને આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ પુલવામામાં આતંકવાદીએ એક કારપેન્ટરને ગોળી મારી. હવે એકવાર ફરી આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને બિન કાશ્મીરી મજૂરો પર ફાયરિંગ કરી દીધું. વર્ષ ૨૦૨૧માં આતંકવાદીએ ૩૦ નાગરિકોની હત્યા કરી ચૂક્યા છે. સતત થઇ રહેલી આતંકવાદી ઘટનાઓ ખાસકરીને બિન કાશ્મીરીઓને ટાર્ગેટ બનાવ્યા બાદ કાશ્મીર ઘાટીમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના હેઠળ કહેવામાં આવ્યું છે કે, આવી ઘટનાઓને રોકવા માટે તમામ બિન સ્થાનિક લોકોને પોલીસ સ્ટેશનો, આર્મી કેમ્પ અને અન્ય સિક્યોરિટી છાવણીમાં સુરક્ષા પુરી પાડવામાં આવશે. તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના ઇશારે આતંકવાદી જમ્મૂ કાશ્મીરમાં સિવિલયનને ટાર્ગેટ કિલિંગની નવી રણનીતિ પર ચાલી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યાર સુધી આતંકવાદી ૪ હિંદુ-સિખ સહિત ૭ સિવિલિયનની હત્યા કરી ચૂક્યા છે. શનિવારે શ્રીનગરમાં પાણીપુરી વેચનારાની હત્યા થઇ તે આ પ્રકારની ૮મી ઘટના હતી.