કાશ્મીર મામલે કોઇ પણ દેશની દખલગીરી મંજૂર નથી : અમિત શાહ

1030

કાશ્મીર મામલે પાકિસ્તાનના સુરમાં સુર મિલાવનારા ચીનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈશારા-ઈશારામાં જ દુનિયાને આકરો સંદેશ આપી દીધો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચે તે પહેલા જ મહારાષ્ટ્રના બુલઢાનામાં એક ચૂંટણીસભાને સંબોધતા શાહે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી અમારૂ વલણ સ્પષ્ટ છે કે, કાશ્મીર મામલે અમે કોઈ પણ દેશની દખલગીરી સહન નહીં કરીએ. અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે, પછી ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ (ડૉનાલ્ડ ટ્રમ્પ) હોય કે કોઈ બીજું. મોદીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કાશ્મીર અમારો આંતરીક મુદ્દો છે અને તેમાં અમારે કોઈ પણ દેશના હસ્તક્ષેપની જરૂર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરવાની અનેકવાર સામેથી પહેલ કરી ચુક્યાં છે. તેમનું કહેવું છે કે, જો ભારત અને પાકિસ્તાન ઈચ્છે તો તેઓ કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરવા તૈયાર છે. પરંતુ આજે શાહે ટ્રમ્પની આ ઈચ્છાનો જ છેદ ઉડાડી દીધો હતો. કાશ્મીર મામલે પાકિસ્તાનને ચીન અને તુર્કી એ બે દેશો જ સાથ આપી રહ્યાં છે. તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ કાશ્મીર મામલે પાકિસ્તાનનું સમર્થન કરી ચુક્યા છે. જેમને પણ આજે શાહે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો. શાહે અમેરિકા સિવાય બીજા કોઈ દેશનું નામ લીધું નહોતું. પરંતુ પાકિસ્તાનું સમર્થન કરનારા ચીન અને તુર્કીને શાહે શાનમાં જ સમજાવી દીધા હતાં.

કોંગ્રેસ પર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આરોપ લગાવતા અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ. ગઈ કાલે એક ફોટો આવ્યો જેમાં કમલ ધાલીવાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના ઓવરસીઝ અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નીકટ ગણાય છે તેમણે બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ કે જેમનું કહેવું છે કે કાશ્મીરમાં સ્થિતિ ઠીક નથી. પાકિસ્તાન તરફી ઝુકાવ ધરાવનારા આ બ્રિટનના સાંસદ સાથે કમલ ફોટો પડાવ્યો. શાહે કહ્યું હતું કે, કાશ્મીર આપણો આંતરિક મુદ્દો છે પરંતુ કોંગ્રેસ તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે. રાહુલ ગાંધી સ્પષ્ટ કરે કે કાશ્મીર મામલે તેમનું સ્ટેન્ડ શું છે. ભાજપ સરકાર વિદર્ભના વિકાસ માટે કામ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી પોતાના પરિવાર અને પુત્રના વિકાસ માટે કામ કરે છે.

Previous articleસા.અરબના જેદ્દાહ બંદર પાસે ઇરાની ઓઇલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવાયુ
Next articleઇડી સમક્ષ ૧૪મીએ હાજર રહેવાનો ચિદમ્બરમને હુકમ