પ્રકાશની ઇર્ષા કરવાનું અંધારાનું ગજુ નથી : મોરારી બાપુ

551

ગરવા ગિરનારની ગોદામમાં સ્થિત રૂપાયતન સંસ્થાના પ્રાંગણમાં શરદપૂર્ણિમાની સોહામણી સંધ્યાએ પૂજ્ય બાપુની નિશ્રામાં “નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ” કાર્યક્રમ સંપન્ન થયો.

નરસિંહના નગરમાં અને નરસિંહના નામ સાથે જોડાયેલ એવોર્ડ પ્રેમાનંદની નગરી વડોદરાના કવિ ખલીલ ધનતેજવીને અર્પણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ મીનરાજ સંસ્થાની બાલિકાઓ દ્વારા સરસ્વતી વંદનાના નૃત્ય સાથે થયો.દીપ પ્રાગટ્ય બાદ  ભરત પટેલ દ્વારા નરસિંહ મહેતાનાં પદ તેમજ ખલીલ ધનતેજવીની  ગઝલની સંગીતમય પ્રસ્તુતિ થઇ.

કાવ્ય-મર્મજ્ઞ કવિ વનોદ જોશીએ પોતાના વિશેષ ઉદબોધનમાં  ખલીલ ધનતેજવીના વ્યક્તિત્વ અને સર્જકત્વનું સુંદર શબ્દચિત્ર રજુ કર્યું. તેમણે કહ્યું કે કવિની રચનાઓ પ્રેરિત નથી સ્વતઃ છે, તેથી તે વધુ શુદ્ધ છે અને વધુ રસપ્રદ છે.

શ્રી ખલીલ ધનતેજવીની લોકપ્રિય ગઝલોનું સંકલન કરીને નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તક “મારા  કાવ્યો” નું લોકાર્પણ પૂજ્ય બાપુના વરદ હાથોથી થયું.

સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીએ કહ્યું કે ખલીલસાહેબની ગઝલમાં વિનોદવૃત્તિ છે અને સમજણ પણ છે.    મીનરાજ સંસ્થાની કુમારિકાઓ દ્વારા આજની ઘડી તે રળિયામણી લોકનૃત્યની સુંદર પ્રસ્તુતિ બાદ કવિ શ્રી ખલીલ ધનતેજવી એ પોતાના આગવા અંદાજમાં ગઝલોનું પઠન કરી શ્રોતાઓને ડોલાવ્યા.

પૂજ્ય બાપુએ આજના પ્રસંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે ” હું આજે ગોરખપુરથી સીધો ગોરખનાથના ધુણે આવ્યો છું. અહીં દર વર્ષે આવવાનો મને ઉત્સાહ હોય છે.” દત્ત અને દાતારના સેતુબંધને એમણે પ્રણામ કર્યા.

ઈશ્વર અંશ છે અને આપણે તેના અંશી છીએ. ભગવદગીતાથી માંડીને માનસ સુધી જે લક્ષણો શાસ્ત્રોએ દર્શાવ્યા છે, તેને અનુસરીએ  તો અંશ સુધી પહોંચી શકાય. કવિ અને સાહિત્યકારોને બાપુ અંશી માને છે. તેથી તેમને સાંભળવા  બાપુને ગમે છે. બાપુએ જણાવ્યું કે પુરસ્કૃત કવિશ્રી ખલીલ ધનતેજવી  સાહેબમાં સાદગી અને દાતારી બન્ને છે..

કોઈ સર્જકની કૃતિને પહેલા આપણે સર્જકની દૃષ્ટિએ જોવી જોઈએ. પછી આપણી પોતાની દ્રષ્ટિએ જોવી જોઈએ. ત્યાર પછી તેની બરાબર ઓળખ સ્પષ્ટ થવી જોઈએ અને અંતે સર્જકના સ્વભાવને જ્યારે આપણે ઓળખી શકીએ, ત્યારે જ આપણે તે કૃતિના હાર્દને સમજી શકીએ.કોઈપણ સર્જકના સર્જનને બરાબર સમજવા માટે રામાયણનો આ ક્રમ મહત્વનો છે. પૂજ્ય બાપુએ આજે વાલ્મીકિ પૂર્ણિમાના દિવસે આદ્યકવિ વાલ્મીકિનું પણ સ્મરણ કર્યું.રામાયણ અનુસાર પ્રભાવથી્‌ સ્વભાવ સુધી પહોંચવા માટે આટલા પડાવ પાર કરવા પડે છે.

પ્રકાશની ઈર્ષા અંધારું કરી શકે જ નહીં. અંધારાનું એ ગજું નથી. પ્રકાશની ઈર્ષા પ્રકાશ જ કરે છે.

“વો શખ્સ દો લમ્હોં મેં તૂટ ગયા

જીસે તરાશનેમેં મુજે જમાને લગે થે”

-એ શેર સાથે પૂજ્ય બાપુએ પોતાનાં ઉદ્બોધનનું સમાપન કર્યું.

સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કવિ નીતિન વડગામાએ કહ્યું હતું. નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વ શ્રી હેમંત નાણાવટી, હરિશ્ચંદ્ર જોશી, પ્રણવ પંડયા તેમ જ પૂર્ણિમા ખંડેરિયાના સફળ  આયોજનમાં સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં ગુજરાતના સાક્ષરો, સાહિત્ય રસિકો અને જૂનાગઢની સાહિત્ય પ્રેમી જનતાએ મોટી  ઉપસ્થિત રહી અને કાર્યક્રમને માણ્યો હતો.

Previous articleરૂવાપરી માતાજીના મંદિરે ૧.૮૦ કરોડના ખર્ચે વિકાસ કામોના ખાતમુહુર્ત કરાયા
Next articleતખ્તેશ્વર પાસેથી અંદર-બહારનો જુગાર રમતાં પાંચ જુગારીઓ ઝડપાયા