ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ

500

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિ અવલોકન કરતાં શ્રી સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદે મહદઅંશે વિદાય લઈ લીધી છે જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ બાદ ૧૯ ઓક્ટોબરે સાવ સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે.

રાહત કમિશનર અને સચિવ શ્રી કે.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિ તથા હાલમાં રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે ચર્ચાઓ થઇ હતી. તે ઉપરાંત રાજ્યમાંથી વરસાદે હવે વિદાય લીધી છે ત્યારે તમામ વિભાગના નોડલ ઓફિસર પાસેથી કામગીરી અહેવાલ અને હાલની સ્થિતિની વિગતો મેળવી હતી. નોંધનીય બાબત એ છે કે રાજ્યમાં આ વર્ષે ખૂબ સારો વરસાદ પડતાં રાજ્યના ૨૦૪ ડેમમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક કુલ સંગ્રહશકિતના ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. છેલ્લા ૧૨ વર્ષ બાદ આ વર્ષે જળસંગ્રહ સૌથી વધુ થયો છે. એટલું જ નહિ ૧૬૩ યોજનાઓની જળસપાટી હાઈ એલર્ટ પર છે જેમાં ૯૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ઇરીગેશન અને પીવાના પાણીની સહેજ પણ સમસ્યા નથી.           આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ, આરોગ્ય, ફિશરીઝ ઉપરાંત એનડીઆરએફ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિભાગની સજ્જતા અને કામગીરી વિશે માહિતી આપી હતી. આ બેઠકમાં રાહત નિયામક અને નાયબ સચિવશ્રી  રિંકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઇકબાલ મેમણ સાથે લેન્ડ ડિલ સંપૂર્ણ કાયદેસર હતી
Next articleઅયોધ્યામાં હિન્દુ પક્ષને પણ ઘણા સવાલ કરી રહ્યા છીએ