માર્ગોનું પેચ વર્ક પૂર્ણ કરવા ગાંધીનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

388

ગાંધીનગર જિલ્લામાં ચોમાસું સારું રહેતા જિલ્લાના આંતરિક અને મુખ્ય માર્ગોનું  ઘોવાણ થયું હતું. ગાંઘીનગર જિલ્લામાં ઘોવાયેલ માર્ગોનું પેચ વર્ક કરવાના કામની સમીક્ષા માટે જિલ્લા કલેકટર કુલદીપ આર્યના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગાંધીનગર શહેરના આંતરિક, ગ્રામ્ય અને રાજય કક્ષાના માર્ગો પર અમુક અમુક અંતરે મોટા ખાડા પડી જવા અને ઘોવાણ થઇ ગયા છે. જેના પરિણામે માર્ગ અકસ્માતની પણ શક્યતા નકારી શકાતી નથી. આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવતાં હોવાથી માર્ગો પર વાહનોની અવર-જવર પણ વઘશે. જેથી તમામ રાજય, ગ્રામ્ય અને શહેરના આંતરિક માર્ગોનું પેચ વર્કનું કામ  બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરવા માટે સંબંઘિત અઘિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.

બેઠકમાં ઉપસ્થિત પાટનગર યોજના વિભાગ-૩ ના કાર્યપાલક ઇજનેર શ્રી કે.ડી.પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં રાજય કક્ષાના ૫૬૦ કિલોમીટર  માર્ગ છે.જેમાંથી ૧૪૮ કિલોમીટરના માર્ગ પર ચોમાસા દરમ્યાન નાના મોટા ખાડા પડી જવા અને માર્ગનું ઘોવાણ થઇ ગયું હતું. પરંતુ ચોમાસાના વિરામ બાદ તરત જ પેચ વર્કનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાંથી ૧૨૯ કિલોમીટરના માર્ગનું પેચ વર્ક કામ પૂર્ણ થયું છે.  ૧૯ કિલોમીટરનું કામ બાકી છે.

ગાંધીનગર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વિરેન બાવીસાએ જણાવ્યું હતું કે, અમારી હસ્તક જિલ્લામાં કુલ ૧૪૪૬ કિલોમીટર ડામરના રસ્તાઓનો સમાવેશ થાય છે. જેમાં જિલ્લા કક્ષાના મુખ્ય, ગ્રામ્ય અને અન્ય જિલ્લાના માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો પર અંદાજે ૭૨.૭૫ કિ.મી લંબાઇના માર્ગની ચોમાસા પછી મરામત કરવા યોગ્ય હોય છે. ૧૮.૫૦ કિ.મી.ના માર્ગ પર પેચ વર્કનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Previous articleગૌણ સેવાની પરીક્ષા રદ થતાં કોંગ્રેસના હલ્લાબોલ કાર્યક્રમ
Next articleરાજ્ય ડેન્ગ્યુનાં ભરડામાં..૧૨નાં મોત, અનેક તબીબો પણ સપડાયા,દર્દીઓ માટે બેડ ખૂટ્યા