બિનસચિવાલય કલાર્ક પરીક્ષા ૧૭મી નવેમ્બરે યોજવા નિર્ણય

673

રાજ્યમાં બિનસચિવાલય અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ કરવાના તાજેતરમાં લેવાયેલા નિર્ણયને આખરે રાજય સરકારે રદ્દ કર્યો છે અને હવે નવી પરીક્ષાની તારીખ તા.૧૭મી નવેમ્બર જાહેર કરી છે. આજે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રખાયો હોવાની મહત્વની જાહેરાત કરી હતી. ઉપરાંત જૂના નિર્ણયને પણ પરત ખેંચ્યો હતો અને પરીક્ષાની તારીખ જાહેર કરીને આગામી ૧૭મી નવેમ્બરે પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાતને પગલે ધોરણ-૧૨ પાસ અને અન્ય ઉમેદવારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.         ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બિનસચિવાલય અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા યોજાવાના ૯ દિવસ પહેલા જ પરીક્ષાને રદ્દ કરીને ક્લાર્ક સહિતની ભરતી માટે ગ્રેજ્યુએશનને ફરજીયાત કરવામાં આવ્યું હતું અને ધોરણ-૧૨ પાસના ઉમેદવારોને કમી કરી દેવાયા હતા, જેને પગલે રાજયભરમાં લાખો ઉમેદવારોમાં ભારે હોબાળો મચી ગયો હતો અને બહુ મોટો વિવાદ સર્જાયો હતો. જો કે, ભારે વિવાદ અને ઉહાપોહ બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રાખ્યો હોવાની અને પરીક્ષાની નવી તારીખ તા.૧૭મી નવેમ્બરની જાહેરાત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોની લાગણી માંગણીને માન આપનારી સરકાર છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારે સમજી , વિચારીને પરીક્ષઆ રદ કરવાનો નિર્ણય મુલતવી કરવામાં આવ્યો છે. ધોરણ-૧૨ પાસ અને સ્નાતક વિદ્યાર્થીઓ બધા જ ઉમેદવારોને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે પરીક્ષા અંગેની નોંધણી કરેલા તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકે. આ બધા જ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપી શકશે.

તા.૧૭-૧૧-૨૦૧૯નાં રોજ આ પરીક્ષા માટે ૩૧૭૧ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પસંદગી પામેલ ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ, અસિત વોરાએ જણાવ્યું હતું કે, એ જ ફોર્મ અને એ જ કોલ લેટર સાથે ઉમેદવારો પરીક્ષા આપી શકશે જેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. કોઇએ પણ નવા ફોર્મ ભરવાની જરૂર નથી. પરીક્ષાની સમગ્ર પ્રોસેસ યથાવત્‌ રહેશે. જે વિદ્યાર્થીઓને ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને જૂના સેન્ટર મુજબ પરીક્ષા આપવાની રહેશે, કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહી બદલાય. જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે, તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. તમામ અનામતની જોગવાઇઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.

 

Previous articleગુજરાતમાં ડેંગ્યુ રોગ હજુ બેકાબૂ : કેટલાય નવા કેસો
Next articleલોયગાના ગ્રામજનો દ્વારા દારૂના અડા બંધ કરવા રજુઆત