૪ મહિના પહેલાં મૃત્યુ પામેલા પુત્રના વિરહમાં માતાપિતાએ પણ આપઘાત કર્યો

543

સુરતમાં પુત્રના વિરહમાં માતાપિતાએ આત્મહત્યા કરી મોત વ્હાલું કરી લેતાં હાહાકાર મચી ગયો છે. શહેરના અલથાણ વિસ્તારમાં પટેલ દંપતી દીકરાના મોત બાદ માનસિક તણાવ અનુભવતું હતું. એકના એક પુત્રના મોતથી આઘાતમાં સરી ગયેલા દંપતીએ આખરે પોતે પણ મોત વ્હોરી લીધું હતું. જ્વેલરીની દુકાન ધરાવતા અને મૂળ પાટણ જિલ્લાના પટેલ પરિવારનો માળો ત્યારે વિખાઈ ગયો હતો જ્યારે ચાર મહિના પહેલાં તેમના એક માત્ર પુત્રનું મોત થઈ ગયું હતું.

પટેલ દંપતીએ ૨૨ વર્ષના પુત્રના વિરહમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પુત્રની ચોથી પુણ્ય તિથી હતી ત્યારે જ માતાપિતાએ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આત્મહત્યા કરતા પહેલાં પિતાએ પોતાના પુત્રને ફેસબુક પર શ્રદ્ધાંજલિ આપી હતી અને એક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં આ દંપતીએ આ પગલું પુત્રના વિરહમાં ભર્યુ હોવાનું લખ્યું છે અને તેમના આ પગલાં માટે કોઈને પણ જવાબદાર ન ગણવાનો ઉલ્લેખ કર્યો છે.

આત્મહત્યા કરતાં પહેલાં તેમણે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેમના શરીરનું અંગદાન કરી દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પિતાએ આજે ફેસબુક પર આ પોસ્ટ મૂકી અને પુત્રને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. મૃતકની એક જ્વેલરીની દુકાન હતી જોકે, મંદીના કારણે છેલ્લા એક વર્ષથી તે બંધ હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી હતી.

Previous articleબાળલગ્નનો વીડિયો વાયરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ
Next articleરાજ્યના ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશન તરીકે  પદભાર સંભાળતા પરેશ એસ. ધોરા