દહેજની માંગ કરતા સાસરિયાના ત્રાસથી કંટાળી દિકરીએ પોલીસ ફરિયાદ કરી

383

રાજવી પરિવારના દિકરીને અમદાવાદમાં પતિ, સાસુ, સસરા અને દિયરે શારીરિક-માનસિક ત્રાસ આપી મારી નાંખવાની ધમકી આપી તેમજ દહેજની માંગ કરી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકયાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ છે. જેથી પોલીસે દહેજ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસે હાલ યુનિવર્સિટી રોડ પર રહેતાં મેઘાવીબા મેઘરાજસિંહ ચુડાસમા (ઉં-૩૭)ની ફરિયાદ પરથી અમદાવાદમાં રહેતા તેમના પતિ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડસમા (ઉં-૪૨), સસરા મનહરસિંહ મુળરાજસિંહ ચુડાસમા, સાસુ વિનાદેવી મનહરસિંહ ચુડાસમા અને દિયર અભરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ અને દહેજધારાની કલમ-૩, ૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મેઘાવીબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન મેઘરાજસિંહ સાથે ૨૦૦૮માં રાજકોટ કાઠીયાવાડ જીમખાના સાથે હિન્દુ શાસ્ત્રોકત વિધીથી થયા છે. લગ્ન જીવન દરમિયાન એક પુત્રી આહનાબાનો જન્મ થયો જે ૧૧ વર્ષના છે. લગ્નના દસ જ દિવસ બાદ અમને ખબર પડી હતી કે પતિ ચેઇન સ્મોકર છે અને ખુબ જ દારૂ પીવાની ટેવ ધરાવે છે. પણ લગ્નના થોડા જ દિવસ થયા હોઇ અમે શાંતિથી તેમને સમજવાની શરૂઆત કરી હતી. પણ તે અમારી વાત સાંભળતા નહિં. જે બાદ અમે સસરા મનહરસિંહને વાત કરી હતી. તો તેમણે મારા પતિને સમજાવવાને બદલે અમને ઠપકો આપી તમારો ખર્ચ તમારે જાતે કમાઈ લેવો જોઇએ, પૈસા અમારી પાસે માંગવાના નહિ તેમ કહ્યું હતું. આ જ રીતે સાસુએ પણ તેના દિકરાનું ઉપરાણું લીધું હતું. જ્યારે દિયર વાત વાતમાં ખૂનની ધમકી આપી તુકારા દઇ બદનામ કરી નાંખવાની ધમકી આપતાં હતાં. અનહદ ત્રાસને કારણે અમારે બે વર્ષથી રાજકોટ માવતરના ઘરે રહેવા ફરજ પડી છે. અમને કોઇપણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડ્યા વગર કાઢી મુકાયા છે. સાસરિયાઓ કહે છે કે છુટાછેડામાં સહી કરી જાવ તો જ કરિયાવર પાછો આપવો છે. સમાધાનના પ્રયાસમાં સમય પસાર થતાં ફરિયાદ મોડી કરી છે.

Previous articleસૌરાષ્ટ્રમાં જામશે ક્રિકેટ ફિવર, ૭ નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ
Next articleલેહ લદ્દાખમાં ફરજ બજાવતા અમરાઈવાડીના જવાનનું બીમારીથી મોત