ઇ-મેમોની અવગણના કરી દંડ નહીં ભરનાર ૧૮૦ ચાલકોના લાયસન્સ રદ્દ થશે

1118

શહેરમાં ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, ત્યારે નિયમોની ઉપરવટ જઇને વાહન હંકારતા વાહનચાલકોને જાણે ડર જ ના હોય કેવી રીતે ઈ મેમો મળ્યા બાદ ફાડી નાખવામાં આવતો હોય છે. ગાંધીનગર શહેરમાં ઇ ચલણ ન ભરનાર ૧૮૦ લાયસન્સ ચાલકોના લાયસન્સ રદ કરવામા આવશે. જેની યાદી ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરટીઓ કચેરીને આપવામાં આવી છે.

ગાંધીનગર શહેરના પહોળા રોડ ઉપર વાહનચાલકો બેફામ રીતે વાહન ચલાવી અકસ્માત સર્જતા હોય છે. પોલીસનો ડર ન હોય તે રીતે રીતે ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને વાહન ચલાવી અન્ય લોકોને નુકસાન પહોંચાડતા હોય છે, ત્યારે આવા લોકો પોલીસની સીધી નજરમાં જોવા મળે તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા શહેરમાં બનતી તમામ ગતિવિધિઓ અને પરિસ્થિતિ પર નજર રાખી શકાય છે. ટ્રાફિક નિયમન માટે ૨૦૯ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વિવિઘ સર્કલો અને નિયત થયેલા સ્થળો પર લગાવેલા કેમેરા દ્રારા ટ્રાફિક નિયમન સાથે ગુનાહિત પ્રવૃત્તિ કરીને ફરાર થતાં વ્યક્તિને પકડવા માટે આ કેમેરાઓનું મોનીટરીગ એસપી કચેરીમાંથી સીધું કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં ૯૪ હજાર વાહન ચાલકોને ઇ ચલણ છેલ્લા અગિયાર માસના ટુંકા સમયમાં ઇસ્યુ કરવામાં આવ્યા છે. ઇસ્યુ થયેલા ઇ ચલણ દ્રારા અત્યાર સુઘી દંડ પેટે સરકારમાં રૂપિયા ૭૪ લાખ ભરાયા છે. ઉપરાંત અવાર નવાર ટ્રાફિકના નિયમનો ભંગ કર્યા બાદ અને ઇ-ચલણ મળ્યા બાદ પણ દંડની રકમ ન ભરનાર ૧૮૦ જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની યાદી ગાંધીનગર આર.ટી.ઓ. કચેરીને મોકલવામાં આવી છે.

 

Previous articleદિવાળી તહેવાના કારણે ફાયરના જવાનોની રજાઓ રદ્દ
Next articleઇડીનો મોટો ખુલાસો : રતુલ પુરીએ નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૭.૮ કરોડ રૂપિયા ઉડાડ્યા