મહારાષ્ટ્ર-હરિયાણામાં શાંતિપૂર્ણ મતદાન

436

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણરીતે મધ્યમથી ભારે મતદાન થયું હતું. એકબાજુ હરિયાણામાં ૬૨થી ૬૫ ટકા વચ્ચેનું મતદાન થયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં ૫૪થી ૫૮ ટકા વચ્ચે મતદાન થયું હતું. બંને રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. હવે ૨૪મી ઓક્ટોબરના દિવસે તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મોટાભાગના મતવિસ્તારમાં મતદારો આજે અપેક્ષા કરતા ઓછા ઉત્સાહ સાથે મેદાનમાં આવ્યા હતા. ઓછું મતદાન રહ્યું હતું જેથી ચૂંટણી પંચના લોકો પણ આંશિકરીતે હતાશ દેખાયા છે. ઉંચા મતદાનની ખાતરી કરવા તમામ પ્રયાસો કરાયા હોવા છતાં અપેક્ષા કરતા ઓછું મતદાન નોંધાયું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઓછું મતદાન થયું છે. કોઇપણ જગ્યાએ કોઇ અનિચ્છનીય બનાવ બન્યા નથી. આ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે ૧૮ રાજ્યોને આવરી લેતી ૫૧ વિધાનસભા સીટ અને બે લોકસભાની સીટો માટે પેટાચૂંટણી મતદાન યોજાયું હતું. આ મતદાન પણ શાંતિપૂર્ણરીતે પૂર્ણ થયું હતું. તમામ સેલિબ્રિટીઓએ ભારે ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અગાઉ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે આજે દેશમાં ૧૮ રાજ્યોને આવરી લેતી વિધાનસભાની ૫૧ સીટો તેમજ લોકસભાની બે સીટો માટે પેટાચૂંટણીને લઇને ભારે ઉત્સાહ વચ્ચે મતદાન શરૂ થયુ હતુ. મતદાન શરૂ થતા બાદ તમામ મતવિસ્તારોમાં લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં સવારમાં ઓછા મતદારો રહ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં શરૂઆતમાં જ મતદારોની લાંબી લાઇનો લાગી હતી. હરિયાણા અને મહારાષ્ટ્‌ બંને રાજ્યોમાં હાલમાં ભાજપની સરકારો રહેલી છે. ઉત્તરપ્રદેશની રામપુર સહિત ૧૧ સીટો, ગુજરાતની છ સીટો, બિહારમાં પાંચ સીટો, આસામમાં ચાર સીટો અને હિમાચલ પ્રદેશમાં તેમજ તમિળનાડુમાં બે બે સીટો પર મતદાન યોજાયું હતું. બંને રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારોના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ચૂંટણી પરિણામ ૨૪મીના દિવસે જાહેર કરવામાં આવશે ત્યાં સુધી ભારે સસ્પેન્સની સ્થિતિ રહેશે. હરિયાણાની વાત કરવામાં આવે તો અહીં ભાજપ-કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે સીધી સ્પર્ધા છે. આજે મતદાનની સાથે જ હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૦૪ મહિલા ઉમેદવાર સહિત ૧૧૬૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  હરિયાણામાં ૧.૮૩ કરોડ મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હરિયાણામાં ૯૯ લાખ પુરુષો અને ૮૫ લાખ મહિલા મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ ભારે ઉત્સાહ વચ્ચે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  હરિયાણામાં ૧૬૩૫૭ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  હિસ્સાર જિલ્લામાં હાન્સી જિલ્લામાં હાન્સી મતવિસ્તારમાં સૌથી વધુ ૨૫ ઉમેદવાર મેદાનમાં રહેલા છે. આ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ૧૦ બેઠકો જીતી લીધી હતી અને ૫૮.૨૧ ટકા મત મળ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે માહિતી આપતા કહ્યું છે કે,  મતદાનને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી હતી. રાજ્યભરમાં સઘન સુરક્ષા વ્યવસ્તા ગોઠવી દેવામાં આવી હતી. બીજી બાજુ મુંબઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં ૨૮૧ વિધાનસભા સીટ માટે તેમના પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટી કાઢવા માટે ૮.૯ કરોડ મતદારો પૈકી આશરે ૫૫ ટકાથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગક કરવા બહાર નિકળ્યા હતા.

આજે મતદાન શરૂ થતાની સાથે જ ૨૩૫ મહિલા ઉમેદવાર સહિત ૩૨૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મતદારોની સુવિધાને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં કુલ ૯૬૬૬૧ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. મરાઠવાડા પ્રદેશમાં નાંદેદ સાઉથ સીટમાં સૌથી વધારે ૩૮ ઉમેદવારો મેદાનમાં રહેલા છે. આ તમામના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોઇ બે ગઠબંધનો ભાગ્ય અજમાવી રહ્યા છે જેમાં એકબાજુ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપી સહિત મહાઅગાડી કેમ્પ છે. કેટલાક નાના પક્ષો પોતાનીરીતે ચૂંટણી લડી રહ્યા છે જેમાં રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા, શિવસંગ્રામ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, રાયતક્રાંતિ સંગઠનનો સમાવેશ થાય છે. આવી જ રીતે કેટલાક એકદમ નાના પક્ષો પણ તેમના ઉમેદવારોનું ભાગ્ય અજમાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા હતા. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ૪૮ પૈકી ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ૫૧.૩ ટકા મત મેળવ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી બલદેવસિંહે કહ્યું છે કે,  મતદાનને લઇને તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભાની બે બેઠકોની પેટાચૂંટણી  માટે પણ સવારે મતદાનની શરૂઆત થઇ હતી. જેમાં બિહારમાં સમસ્તીપુર અને મહારાષ્ટ્રમાં સતારા બેઠકનો સમાવેશ થાય છે. ઉપરાંત ૧૭ રાજ્યોમાં વિધાનસભાની ૫૧ સીટ પર મતદાનની શરૂઆત થઇ હતી અને સાંજે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણરીતે પૂર્ણ થઇ હતી.

Previous articleઆતંકવાદીના કેમ્પોને ફૂંકી મારવામાં આવશે : મલિક
Next articleસરકાર સાથે મંત્રણા નિષ્ફળ રહેતા આજે રાષ્ટ્રિયકૃત બેંકોની હડતાળ