પેટાચૂંટણી, સ્થાનિક ચૂંટણીમાં ભાજપને લોકોનું સમર્થન મળ્યું

362

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે આજે જાહેર થયેલ મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ ગુજરાત વિધાનસભાની ૬ બેઠક પર યોજાયેલ પેટાચૂંટણી અને મહાનગર પાલિકા/નગર પાલિકાની પેટાચૂંટણીના પરિણામો અંગે ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો સમક્ષ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, આજે મહારાષ્ટ્રમાં ભાજપા ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી છે અને હરિયાણામાં પણ ભાજપા સૌથી વધુ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે મહારાષ્ટ્રમાં ફરી એકવાર જનતાના આશીર્વાદથી ભાજપા સરકાર બનવા જઇ રહી છે તેમજ ગુજરાત વિધાનસભાની ૬ બેઠકોમાંથી ખેરાલુ, લુણાવાડા અને અમરાઇવાડી બેઠક પર ભાજપાના ઉમેદવારોનો વિજય થયો છે તથા મહાનગરપાલિકાની ૦૩ માંથી ૦૨, નગરપાલિકાની ૧૭ માંથી ૧૫ બેઠકો પરની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોનો વિજય થયો છે. ભાજપાને પુનઃએકવાર વિજય આશીર્વાદ આપવા બદલ હું તમામ મતદારોનો હદયપૂર્વક આભાર માનુ છુ તેમજ ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ અને ગુજરાત ભાજપાના લાખો કાર્યકર્તાઓને તેમના કઠોર પરિશ્રમ બદલ આભાર સહ અભિનંદન પાઠવુ છું. શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે યેનકેન પ્રકારે ભાજપાને બદનામ કરવાના, જાતિ-જ્ઞાતિના વાડા ઉભા કરાવી વોટબેંકની રાજનીતિ કરવાના પ્રયાસો કર્યા પરંતુ જનતાએ ફરી એકવાર સાતત્યપૂર્ણ રીતે ભાજપાને સમર્થન આપી દેશને વિકાસપથ પર આગળ વધારવા માટે સતત કાર્યરત એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં પણ ભાજપા ત્રણ બેઠક જાળવવામાં સફળ નિવડી છે. ભાજપા હંમેશા જનતાના નિર્ણયને સર્વોપરી માને છે. ભાજપા હંમેશા હાર અને જીત એમ, બંને પરિસ્થિતિઓનું આકલન અને સમીક્ષા કરે છે તેના અનુસંધાને ભાજપા દ્વારા તમામ ૬ બેઠકો પરની પેટાચૂંટણીઓના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. જનતાના ચૂકાદાને સર-આંખો પર ચડાવીને ભાજપા ત્રણ વિધાનસભા બેઠકો પર મળેલા પરાજયને સઃહદય સ્વીકારે છે તેમ શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ.  ગુજરાતમાં ૧૯૯૫થી સતત તેમજ ગત લોકસભા ચૂંટણીમાં પુનઃ તમામ ૨૬ બેઠકો પર જનતાએ ભાજપાને આશીર્વાદ આપી ભવ્ય વિજય અપાવ્યો હતો, જે ગુજરાતની જનતાનો ભાજપા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. ૧૯૯૫ થી ભાજપાના શાસનમાં ગુજરાતે તેમજ ૨૦૧૪ થી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશે વિકાસની હરણફાળ ભરી છે ત્યારે ગુજરાત તથા દેશભરની જનતાનો ભાજપા પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ’’ કોબા ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા, ઢોલ-નગારા-ત્રાંસા સાથે આજે જાહેર થયેલા મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અને મહાનગર પાલિકા/નગર પાલિકાની પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપાને મળેલ જીતને વધાવી વિજયોત્સવ મનાવ્યો હતો.

Previous articleચૂંટણી પરિણામ બાદ કોંગીમાં દિવાળી જેવી કરાયેલ ઉજવણી
Next articleજાતિવાદી પરિબળ હાર માટે કારણો : અલ્પેશની પ્રતિક્રિયા