બોગસ કસ્ટમ અધિકારીના નામે મહિલા સાથે રૂા. ૯.૫૦ લાખની છેતરપીંડીની ફરિયાદ

865

ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતી મહિલા સાથે મિત્રતા બાંધી કસ્ટમ અધીકારીના નામે રૂા. સાડા નવ લાખની છેતરપીંડી કર્યા અંગે ભાવનગરના સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. ઇંગ્લેન્ડ, પશ્ચિમ આફ્રિકાના ગીની દેશ અને જાપાનના નંબર પરથી ફોન કરી છેતરપીંડી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. જાણવા મળેલી વિગતો મુજબ શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા જાગૃતિબેન સંજયભાઈ પરમાર નામની મહિલાને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મેન્થ્યુ પિટરસન નામના એક શખ્સની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યાં બાદ આ શખ્સનું ફાંકડું અંગ્રેજી બોલીબોલી મહિલાને ભોળવી લંડનથી તેના માટે ખાસ ગિફ્ટ મોકલી હોવાનું જણાવી તે બાદ અલગ-અલગ ત્રણ દેશોના નંબરો પરથી ફોન કરી કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂ. ૯,૪૫,૦૦૦ જમા કરાવડાવ્યા હતા. આજદિન સુધી ઉક્ત શખ્સ તરફથી કોઇ ગિફ્ટ નહીં મળતા અને ઉક્ત મહિલાને શંકા પડતા મહિલાએ સાયબર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. જ્યારે આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસે અજાણ્યા નંબરો અને જે બેંકોમાં પૈસા જમા કરાવડાવ્યા છે તેની તપાસ શરૂ કરી દીધી છે.જેમાં ખાસ કરીને ઉક્ત મહિલાને જુદા જુદા ત્રણ નંબર ૪૪, ૮૭ અને ૮૧ ના કંટ્રીકોડ વાળા નંબર પરથી ફોન આવ્યો હતો. જે લંડન, પશ્ચિમ આફ્રિકાના દેશ ગીની અને જાપાનનો હોવાનું જાણવા મળ્યું છે.ઉક્ત બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

Previous articleસૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રેડક્રોસ અને નિર્દોષાનંદ હોસ્પિટલને બાયપેપ મશીન અર્પણ કરાયા
Next articleશિશુવિહારમાં વેક્સિન કેમ્પ યોજાયો