મિલ્કત જપ્તી માટે મહાપાલિકા મેદાને : ત્રણ દિવસમાં ૮૧ સિલીંગ સાથે રૂા.૧ કરોડની વસુલાત

15

રિબેટ યોજના પૂર્ણ થયા બાદ પેધી ગયેલા કરદાતાઓ પાસેથી વેરો વસુલવા કોર્પોરેશને હાથ ધરી મિલ્કત જપ્તી
ભાવનગર મહાપાલિકા દ્વારા નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં એપ્રિલ અને મે માસ દરમિયાન ઘરવેરામાં રિબેટ યોજના લાગુ કરાઇ હતી. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ ૧૫ દિવસ પછી વેરા વસુલાત માટે હવે મિલ્કત જપ્તી હાથ ધરાઇ છે. જેમાં શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં ૮૦થી વધુ મિલ્કતોની જપ્તી કરી રૂા.૧ કરોડની વસુલાત કરવામાં ટીમ મહાપાલિકા સફળ રહી છે.
રિબેટ યોજનામાં પણ લાભ નહીં લઇને પેધી ગયેલા કરદાતાઓએ ઘરવેરો ચુકવવા આગળ નહીં આવતા આખરે આસામીઓના આંગણે જઇ કોર્પોરેશનની ટીમ દ્વારા વેરાની કડક વસુલાત હાથ ધરાઇ છે. શહેરમાં પૂર્વ-પશ્ચિમ અને મધ્ય ઝોનની ત્રણ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ઘરવેરાની વસુલાત તેજ બનાવાઇ છે. હાલમાં પ્રથમ તબક્કે રૂા.૧ લાખથી વધુ રકમ બાકી હોય તેવા કોમર્શીયલ મિલ્કતની વસુલાત હાથ ધરાઇ છે. પ્રથમ બે દિવસ શુક્ર અને શનિ દરમિયાન ૫૧ મિલ્કતની જપ્તી કરી કોર્પોરેશનની ટીમે રૂા.૬૦ લાખની વસુલાત કરી હતી. જ્યારે સોમવારથી ફરીવખત મિલ્કત જપ્તી હાથ ધરી ૩૦ મિલ્કતની જપ્તી કરી રૂા.૩૦.૫૩ લાખની વસુલાત હાથ ધરાઇ હતી. જ્યારે આજે પણ ત્રણેય ટીમો દ્વારા વેરા વસુલાત અને મિલ્કત જપ્તી હાથ ધરાઇ છે. ત્રણ દિવસના અંતે કુલ ૮૧ મિલ્કત જપ્તી કરીને રૂા.૯૮.૬૦ કરોડની વસુલાત કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. મિલ્કત જપ્તીમાં કેટલીક આઇકોન મિલ્કતની પણ જપ્તી થતા તુરંત જ કોર્પોરેશનને વેરો ભરપાઇ કરી આપી મિલ્કતના સીલ ખોલાવ્યા હતાં.

Previous article૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી
Next articleભાવનગર આજે એક સાથે ૪ કોરોનાનો નવા કેસ નોંધાયા