પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યપ્રધાન બન્યા

358

તીરથ સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું : ધામી ઉધમસિંહ નગર જિલ્લાની ખટીમા વિધાનસભા સીટથી સતત બીજીવાર ધારાસભ્ય બન્યા છે
(સ. સ. સે.) દેહરાદૂન, તા. ૩
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી હશે. શનિવારે તેમને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. એક દિવસ પહેલા તીરથ સિંગ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ધામી ખટીમાથી ધારાસભ્ય છે. પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના ૧૧મા મુખ્યમંત્રી હશે. ૪૫ વર્ષીય ધામી પ્રદેશના અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી હશે. પુષ્કર સિંહ ધામીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૫ના રોજ ખાતીમામાં થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે. ભાજપના યુવા કાર્યકર્તાઓ પર તેમની સારી પકડ માનવામાં આવે છે. તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ ભાજપની એક રણનીતિ યુવા મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાની હોઈ શકે છે. ધામી ઉધમસિંહ નગર જિલ્લાની ખટીમા વિધાનસભા સીટથી સતત બીજીવાર ધારાસભ્ય બન્યા છે. ધામીને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે. કોશ્યારી હાલ સક્રિય રાજનીતિમાં છે અને તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. પુષ્કર સિંહ ધામી ૨૦૧૨માં પ્રથમવાર ખટીમા સીટથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ત્યારે કોંગ્રેસના દેવેન્દ્ર ચંદને આશરે ૫ હજાર મતોના અંતરથી હરાવ્યા હતા. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ધામીએ ખટીમાથી સતત બીજીવાર જીત મેળવી હતી. આ વખતે તેમણે કોંગ્રેસના ભુવન ચંદ્ર કાપડીને ૩ હજારના મતે હરાવ્યા હતા. હવે તેઓ રાજ્યના ૧૧માં મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે.

Previous articleપાણી હવે પ્લાસ્ટિકની બદલે પેપરની બોટલ મળશે
Next articleસંકટઃ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના ડાકલા, ફ્રાન્સ તપાસ કરશે