૧૨ સાયન્સનું ૧૦૦% પરિણામ, સૌથી વધુ વિદ્યાર્થીઓને B2 ગ્રેડ

492

૩૨૪૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે ૧૫૨૮૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો, A ગ્રૂપમાં ૪૬૬ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુ માર્ક્‌સ મેળવ્યા છે
(સં. સ. સે.) ગાંધીનગર,તા.૧૭
ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીમાં ધોરણ-૧૦ના પરિણામ બાદ ધોરણ-૧૨નું પરિણામ પણ ૧૦૦ ટકા આવ્યું છે.
આ પરિણામ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે પરંતું તે માત્ર શાળાઓ જ જોઇ શકશે. સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકશે. ૧૨ સાયન્સમાં ૧ લાખ ૭ હજાર ૨૬૪ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૩૨૪૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૧૫,૨૮૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રૂપમાં ૪૬૬ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુ માર્ક્‌સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં ૬૫૭ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૦૯ વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ ૨૬,૮૩૧ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
પરિણામ સામે આવ્યું છે ત્યારે તેમની માર્કશિટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આજે વિદ્યાર્થીઓનું પરિણામ માત્ર શાળાઓ જ જોઈ શકશે. શાળાઓ દ્વારા જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવાશે. મહત્ત્વનું છે કે, કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધોરણ-૧૨ સાયન્સના ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા માસ પ્રમોશન આપ્યા બાદ ગુજરાત બોર્ડે ધોરણ-૧૨ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું હતું. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.૧૦ના પરિણામના ૫૦ માર્ક્‌સ, ધો.૧૧ના પરિણામના ૨૫ માર્ક્‌સ તેમજ ધો.૧૨ની સામયિક અને એકમ કસોટીના ૨૫ ગુણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ધોરણ-૧૨ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે, જેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.