ભાવનગરમાં કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરીની આજથી મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં શરૂઆત

518

ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે આંખ, કાન અને ગળાના વિભાગ ખાતે નવા મુકાયેલાં સાધનો અને ઉપકરણો બાદ પ્રથમ વખત કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત આજથી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બે બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યાં હતાં.મંત્રીએ જે બાળકોના ઓપરેશન થવાના છે તેવાં બાળકોને સ્નેહપૂર્વક તેડીને તેમના પ્રત્યે પોતાનું વ્હાલ પણ વરસાવ્યું હતું. આ રીતે પોતે બાળકોને કેટલો પ્રેમ કરે છે તેની પ્રતીતિ કરાવી હતી. મંત્રીશ્રીનો આવો સ્નેહ જોઈને બાળકોના વાલીઓ પણ ગદગદિત થઈ ગયાં હતાં. આજે સવારે આ બંને ઓપરેશનની શરૂઆત કરતી વખતે સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મંત્રી તરીકે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ખાસ આ માટે ગાંધીનગરથી સર ટી. હોસ્પિટલ ખાતે બાળકોનો ઉત્સાહ વધારવા માટે અને તેમના વાલીઓને ભરોસો અને હિંમત આપવા માટે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીએ આ અવસરે જણાવ્યું કે, આ પ્રકારના ઓપરેશન માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ થઈ શકતાં હતાં. ભાવનગર ખાતે જ આ સુવિધા ઊભી કરવામાં આવતાં આ બધી તકલીફોમાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં જ આ પ્રકારના ઓપરેશનની સુવિધા ઊભી થાય તે માટે એકાદ છેલ્લા એકાદ વર્ષથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને તેને પરિણામે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશનના તમામ સાધનો અને સુવિધાઓ ઊભી થઈ જતાં આજે વિધિવત રીતે કોક્લીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જન્મથી બહેરા-મૂંગા બાળકને સાંભળતો કરવા માટે ગમે તેટલો ખર્ચ થાય તો પણ રાજ્ય સરકાર કરવા તૈયાર છે. આ પ્રકારના એક ઓપરેશન કરવા માટે રૂ. ૧૨ લાખ આસપાસનો ખર્ચ થાય છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં આવા એક હજાર ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. વિભાવરીબેનએ જણાવ્યું કે,સાંભળવાની ક્ષમતા ન ધરાવતા આ પ્રકારના બાળકોને ઓપરેશનના થતાં ખર્ચ ઉપરાંત લગભગ એક વર્ષ સુધી સ્પીચ થેરાપી આપવાની પણ જરૂર પડતી હોય છે. આવી સ્પીચ થેરાપી જો ખાનગી હોસ્પિટલ કે ખાનગી જગ્યાએ લેવામાં આવે તો એક સીટીંગના રૂ.૩,૦૦૦ આસપાસનો ખર્ચ થતો હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન, કોકલીયર ઇમ્પ્લાન્ટ માટેના મશીન અને સ્પીચ થેરાપી આ તમામ પ્રકારની સુવિધા નિઃશૂલ્ક પૂરી પાડવામાં આવે છે. તેમની આ મુલાકાત વખતે સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ, વિભાગના ડોક્ટરો, નર્સ તથા વાલી ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleસિહોર તાલુકાના વડાવડ ગામની પરણીતમહિલાનું સર્પદંશથી મોત
Next articleજેક્લિન ફર્નાન્ડિઝે તસવીરો શેર કરી દીધી