રાહુલ બાદ કોંગ્રેસનું સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ લોક કરાયું

516

ડિજિટલ ઈમર્જન્સી ગણાવીને સરકાર પર કોંગ્રેસનો વાર : પાર્ટીએ મુંબઈ કોંગ્રેસ, માકન, સુરજેવાલ, સુષ્મિતા દેવ અને જિતેન્દ્રસિંહનું અકાઉન્ટ લોક થયાનો દાવો કર્યો
નવી દિલ્હી, તા.૧૨
કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે તેનું સત્તાવર ટિ્‌વટર અકાઉન્ટ ’લોક’ થઈ ગયું છે. પાર્ટીએ આ સ્થિતિને ડિજિટલ ઈમર્જન્સી ગણાવીને મોદી સરકાર પર વાર કર્યો છે. કોંગ્રેસના સત્તાવાર હેંડલ પહેલા રાહુલ ગાંધી સહિત પાર્ટીના ઘણાં નેતાઓના અકાઉન્ટ ’લોક’ થયા હતા. પાર્ટીએ મુંબઈ કોંગ્રેસ, અજય માકન, રણદીપસિંહ સુરજેવાલ, સુષ્મિતા દેવ, મણિકમ ટેગોર અને જિતેન્દ્રસિંહનું અકાઉન્ટ લોક થયાનો દાવો કર્યો. કોંગ્રેસ અકાઉન્ટ ’લોક’ થવા પર ટિ્‌વટરની પ્રતિક્રિયા નથી આવી. પાર્ટીના સોશિયલ મીડિયા હેડે આ બધી કાર્યવાહી સરકારના દબાણ કરવામાં આવી હોવાનું કહ્યું છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ રોહન ગુપ્તાએ જણાવ્યું છે કે, ટિ્‌વટર સરકારના દબાણમાં કામ કરે છે. તેણે દેશભરમાં અમારા નતાઓ અને કાર્યકર્તાઓના ૫,૦૦૦ અકાઉન્ટ બ્લોક કર્યા છે. તેમણે સમજવું પડશે કે અમને ટિ્‌વટર કે સરકાર દબાવી શકતી નથી. ટિ્‌વટર લોક થયું હોવાની માહિતી કોંગ્રેસ પોતાના ફેસબૂક અકાઉન્ટના માધ્યમથી આપી છે અને અહીં સક્રીનશોટ પણ શેર કર્યો છે. જ્યાં કોંગ્રેસે લખ્યું છે કે, જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા, અમે ત્યારે નહોતા ડર્યા તો હવે ટિ્‌વટર અકાઉન્ટ બંધ કરવાથી શું ખાખ ડરીશું. અમે કોંગ્રેસ છીએ. જનતાનો સંદેશ છીએ, અમે લડીશું, લડતા રહીશું. આગળ આ સ્ક્રીનશોટ સાથે લખવામાં આવ્યું છે કે, જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો આ ગુનો અમે સો વખત કરીશું. કોંગ્રેસના કેટલાક નેતાઓના ટિ્‌વટર અકાઉન્ટ લોક થવા પાછળ કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રના ઈશારે ટિ્‌વટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. યુવા કોંગ્રેસના ઘણાં કાર્યકર્તાઓએ પાછલા દિવસોમાં દિલ્હીમાં પ્રદર્શન કર્યું અને મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના કોઓર્ડિનેટર મનમોહનસિંહએ આ સ્થિતિને ડિજિટલ ઈમર્જન્સી ગણાવી દીધી છે. મનમોહને લખ્યું છે કે, જેટલા પણ હેન્ડલ લોક કરવામાં આવશે તેટલી આક્રામકતાથી કોંગ્રેસના વોલેન્ટિયર્સ કામ કરશે. આ મહિનાની શરુઆતમાં ટિ્‌વટરે રાહુલ ગાંધીનું અકાઉન્ટ લોક કર્યું હતું. રાહુલે એક દલિત બાળકીના માતા-પિતાની તસવીર પોસ્ટ કરી હતી. બાળકી સાથે કથિત દુષ્કર્મ થયું અને પછી તેની હત્યા કરી નાખવામાં આવી. ટિ્‌વટર નિયમો અને ભારતીય કાયદા પ્રમાણે દુષ્કર્મ પીડિતા કે પરિવારજનોની ઓળખ છતી ના કરી શકાય. કંપનીએ ભરેલા પગલા પાછળ પણ આ નિયમને ટાંક્યા છે. રિપોર્ટ્‌સ મુજબ ટિ્‌વટરે આમ કર્યા પછી ઘણી જગ્યાઓ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કંપની અને કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

Previous articleચંદ્રયાન-ટુને ચંદ્ર પર પાણીના કણોની હાજરીના પુરાવા મળ્યા
Next articleકોવિડ-૧૯ વાયરસ થોડા વર્ષોમાં સામાન્ય તાવ બનીને રહી જશે