કેરળમાં નિપાહ વાયરસે ફરી વખત માથું ઉંચક્યું

105

૧૨ વર્ષનાં બાળકનું મોત : આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, નિપાહને પહોંચી વળવા માટે શનિવારે જ એક મિટિંગમાં તેની ચર્ચા કરાઈ હતી
કોઝીકોડ,તા.૫
દેશમાં હાલ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે તેવા કેરળમાં હવે નિપાહ વાયરસને કારણે ૧૨ વર્ષના એક બાળકનું મોત થતાં ફફડાટ ફેલાયો છે. નિપાહનું ઈન્ફેક્શન લાગ્યા બાદ ૧૨ વર્ષના બાળકે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ વર્ષ પહેલા કેરળમાં આ વાયરસ દેખાયો હતો. તે વખતે ૧૭ દર્દીઓનો તેણે ભોગ લીધો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર, બાળકના પ્લાઝમા, CSF અને સિરમના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, નિપાહને પહોંચી વળવા માટે શનિવારે જ એક મિટિંગમાં તેની ચર્ચા કરાઈ હતી. આજે સવારે મોતને ભેટેલા બાળકના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ટ્રેસ કરી લેવાયા છે. તેના પરિવારમાં હજુ સુધી કોઈને વાયરસના લક્ષણો નથી દેખાયા. સરકારી નિવેદન અનુસાર, આ બાળક ત્રીજી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ બીમાર પડ્યો હતો. તેના મગજમાં સોજો ચઢી ગયો હતો અને હાર્ટ પર પણ તેની અસર દેખાઈ હતી. કેરળમાં નિપાહે પણ માથું ઉંચકતા કેન્દ્ર સરકારે એક ટીમ તાત્કાલિક રાજ્યમાં મોકલી છે. જે સરકારને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. મૃતકના સંપર્કમાં છેલ્લા ૧૨ દિવસમાં જેટલા પણ લોકો સંપર્કમાં આવ્યા હોય તે તમામ પર નજર રાખવામાં આવશે. ખાસ કરીને મલ્લપુરમમાં નિપાહનો ચેપ બીજા કોઈને પણ લાગ્યો છે કે કેમ તેની પૂરતી તપાસ કરવામાં આવશે. તેના કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિને ક્વોરન્ટાઈન કરાશે, અને તેનું સેમ્પલ પણ લેવામાં આવશે. નિપાહને કાબૂમાં લેવા માટે મંત્રીઓએ શનિવારે કલેક્ટર સાથે મિટિંગ યોજી હતી. દક્ષિણ ભારતમાં નિપાહનો પહેલો કેસ કોઝીકોટ જિલ્લામાં ૧૯ મે ૨૦૧૮ના રોજ નોંધાયો હતો. અત્યારસુધી આ વાયરસ કેરળમાં ૧૮ લોકોનાં ભોગ લઈ ચૂક્યો છે. નિપાહ વાયરસ ચામાચિડિયાની લાળ દ્વારા ફેલાય છે. કેરળને બાદ કરતાં હજુ સુધી કોઈ રાજ્યમાં આ વાયરસ જોવા મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, હાલ કેરળમાં કોરોના પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. દેશભરમાં બીજી લહેર પૂરી થઈ ગઈ હોવા છતાંય કેરળમાં જાણે કેસ ઘટવાનું નામ જ નથી રહ્યા. જેના કારણે સરકારે રવિવારે સંપૂર્ણ લોકડાઉન રાખવાની પણ જાહેરાત કરી છે.

Previous articleરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦૦ રન પૂરા કર્યા
Next articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૨૭૬૬ કેસ