ચકચારી પાલિતાણાના ભંગારના ડેલામાંથી મળેલા પાઠ્યપુસ્તકો ચાલુ અભ્યાસક્રમના હોવાનું તારણ

109

થોડા દિવસ પૂર્વે પાલિતાણાના એક ભંગારના ડેલામાંથી પસ્તીના ભાવે વેચી દિધેલા પુસ્તકો મળી આવ્યા હતા. જેમાં ૮૦ ટકા પાઠ્યપુસ્તકો ચાલુ વર્ષના હોવાનું ખુલવા પામ્યું છે.
પાલિતાણાની સરકારી શાળાના કોઇપણ જાતની પરમીશન કે પ્રક્રિયા વગર સરકારી પાઠયપુસ્તકો પસ્તીમાં વેચી દેવાની પેરવી ઉઘાડી પડતા તત્કાલ આચાર્યને સસ્પેન્શન અપાયું હતું અને તપાસ નિમાઇ હતી જેનો રિપોર્ટ આવતા આ ૩૦૦૦ કિલો જેટલા પુસ્તકોમાં મોટાભાગના ચાલુ અભ્યાસક્રમના હોવાનું જણાયું હતું. તો પુસ્તકોના આ વધારા પાછળ જે-તે સમયના કેન્દ્રવર્તી આચાર્યની પણ નિષ્કાળજી છતી થવા પામી હતી. પાલિતાણાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતા પુસ્તકો કોઇપણ જાતની પ્રક્રિયા વગર જ પસ્તીમાં વેચી નખાતા સમગ્ર પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી હતી જે પુસ્તક પસ્તી ગણીને વેચી નાખવામાં આવ્યા છે તે ચારથી પાંચ વર્ષ જુના કોર્સના હોવાનો દાવો કરાયો હતો. જો કે, સરકારી પુસ્તકો કોઇપણ જાતની પૂર્વ મંજુરી વગર વેચતા અનેક સવાલો ઉઠયા હતાં. સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ હતો કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જ આવતા હોય છે. તો પછી આટલી મોટી માત્રામાં પુસ્તકો વધવા પાછળનું કારણ શું? શું વિદ્યાર્થીઓને પુસ્તકોથી વંચિત રાખવામાં આવ્યા હશે? જે અંગે આચાર્યએ તે સમયે આચાર્યએ આ જુના પુસ્તકો હોવાનું જણાવ્યું હતું. ધોરણ ૧ અને ૨માં તો બદલાય ગયા છે અને અંગ્રેજીનું પુસ્તકો બે વર્ષ પહેલા બદલાયા, વિજ્ઞાાન અને ગણિત નવા આવી ગયા છે, સામાજિક વિજ્ઞાાન આ વર્ષે બદલાય ગયું હોવાનું કહેલ. પરંતુ જે કાંઇપણ હોય વહિવટી પ્રક્રિયા વગર પુસ્તકો વેચી શકાતા નથી. ત્યારે ઉક્ત બનાવને લઇ તત્કાલ આચાર્યને સસ્પેન્શન અપાયું હતું અને તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને વહિવટી તપાસ સોંપાઇ હતી. જો કે, આટલા સમય બાદ તપાસનો અહેવાલ થતા મળી આવેલ ૩૦૦૦ કિલો પુસ્તકમાંથી મોટાભાગના એટલે ૮૦ ટકા જેટલા પુસ્તકો ચાલુ અભ્યાસક્રમના મળી આવ્યા છે.

Previous articleમુંખ્યમંત્રી કે મંત્રીમંડળ બદલવાથી કોરોનાથી થયેલા મોતનો સાચો આંકડો નહીં બદલાઈઃ પ્રતાપ દૂધાત
Next articleભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનો એકપણ કેસ ન આવતા રાહત, એક્ટિવ કેસની સંખ્યા ચાર પર યથાવત