ગાંધીનગર-અમદાવાદમાં મેઘમહેરથી આનંદ

1141

સતત ત્રણ દિવસથી વાદળના ડોળ અને હવામાન ખાતાની સામાન્ય અને ભારે વરસાદની આગાહી પછી પણ રિસાયેલા રહેલા મેઘરાજાએ ગુરુવારે સાંજ ઢળ્યા પછી રમઝટ બોલાવી દીધી હતી. સાજે ૭.૩૦ વાગ્યાથી એક કલાક દરમિયાન પાટનગરમાં ઇંચ વરસાદ થઇ ગયો હતો. જ્યારે ગાંધીનગર તાલુકામાં ૨૦ મીલીમીટર, દહેગામમાં ૧૨ મીલીમીટર, કલોલમાં ૭ મીલી મીટર અને માણસા પંથકમાં ઝરમરિયો વરસાદ થવાથી ૨ મીલી મીટર વરસાદ નોંધાયો હતો. રાત્રે ૮ વાગ્યા બાદ પણ છાંટા ચાલુ રહ્યા હતાં. ત્યારે જો ૧૯મીથી વરસાદ થવાની કૃષિ યુનિવર્સિટીની આગાહી પ્રમાણે રાત્રી દરમિયાન પણ મેઘ મહેર ચાલુ રહે તો નવાઇ રહેશે નહી.

જિલ્લામાં દહેગામ પંથકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયેલો છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાની રિસાયા હોય તેમ સામાન્ય છાંટા પડી અદ્દશ્ય થતાં હતા. ગત મોડી રાત્રે ઝરમર છાંટા પડ્‌યા બાદ વરસાદ બંધ થઇ ગયો હતો. ગુરૂવારે દિવસ દરમ્યાન આકાશમાં વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ઉકળાટ ફેલાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠયા હતા. તેવામાં સાંજે અચાનક કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, વીજળીના ગડગડાટ બાદ ધીમીધારે વરસાદના છાંટા પડયા બાદ અચાનક વરસાદની તિવ્રતામાં વધારો થયો હતો.

ધોધમાર વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે શહેરના નિચાણવાળા પૂર્ણિમા હાઈસ્કૂલ, નંદોલરોડ, મોડાસારોડ, પશુ દવાખાના જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વિરામ બાદ અચાનક વરસાદ શરૂ થતાં ધરતીપુત્રો સહિત લોકો ખુશખુશાલ બન્યા હતા.

પાટનગરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટા બાદ વરસાદ પડતા લોકોએ ભીંજાવીનો લ્હાવો લીધોે હતો. ઉકળાટ ફેલાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠયા હતા ત્યારે ગઈકાલે સાંજે વરસાદ થતા પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં ગુરુવારે સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી.

દહેગામ તાલુકામાં સૌથી વધારે ૬.૧૨ ઇંચ મોસમનો કુલ વરસાદ થયો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં ૨.૨૪ ઇંચ, કલોલ તાલુકામાં ૨.૬૪ ઇંચ અને માણસા તાલુકામાં સૌથી ઓછો ૧.૩૬ ઇંચ મોસમનો કુલ વરસાદ નોંધાયો છે.

લાંબા વિરામ બાદ ગુરુવાર સાંજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જોકે આજે સવારે વરસાદે વિરામ લીધો હતો. જોકે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.

બપોરે બાદ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં સેટેલાઈટ, પાલડી, ઈસ્કોન, બોડકદેવ, માનસી સર્કલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. હજુ બે દિવસ સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે સાંજે વરસાદે રમઝટ બોલાવી હતી. જેના પગલે શહેરીજનો પણ આનંદથી ઝુમી ઉઠ્‌યા હતા. શહેરના નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, આશ્રમ રોડ, બાપુનગર સહિતના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદે રમઝટ બોલાવી હતી.છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદના કારણે મેઘ મહેર મેઘ કહેર બની ગઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ, રસ્તા અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Previous articleવાવોલના જૂના ફાટક માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી
Next articleખમીદાણામાં ટીબી જાગૃતિ કાર્યક્રમ