સ્વચ્છતા સર્વેક્ષણને લઈને મનપાનો ૪ર શૌચાલય ર૪ કલાક ખુલ્લા રાખવા નિર્ણય

855

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ને લઇને મહાનગર પાલિકાના અધિકારીઓ રીતસરના દોડતા થઇ ગયા છે. હવે મહાપાલિકા વિસ્તારમાં આવેલા ૪૨ જાહેર શૌચાલયને ૨૪ કલાક ખુલ્લા રાખવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ તમામ ટોઇલેટના સંચાલન માટે નવેસરથી અપાનારા કોન્ટ્રાક્ટમાં કરારની શરતોમાં ઉપરોક્ત બાબત ઉમેરી દેવામાં આવી છે. નોંધવું રહેશે કે જાહેર શૌચાલયના કોન્ટ્રાક્ટર પાસેથી હપ્તા ઉઘરાવવા સહિતના કૌભાંડ અને ગોટાળા બાદ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેના કારણે હવે પાટનગરમાં ૪૨ જાહેર શૌચાલય ૨૪ કલાક ખૂલ્લાં રાખવા પડશે.

આ બાબતે નાયબ મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે મનપા વિસ્તારના ૪૨ જાહેર શૌચાલયના સંચાલન, જાળવણી અને નિભાવણીનું કામ કોન્ટ્રાક્ટર મારફત કરાવવામાં આવશે. તેના માટે જરૂરી સફાઇના સાધનો સહિતની સામગ્રી અને સંચાલન માટેના માણસો, બાંધકામ અને ઇલેકટ્રીક સંબંધી સમારકામ પણ માલસામાન સહિત કોન્ટ્રાક્ટરે કરાવવા સહિતનું વ્યવસ્થાપન હવે કરાશે સાથે જ કોન્ટ્રાક્ટરે આ ૪૨ જાહેર શૌચાલય વપરાશ માટે ૨૪ કલાક ખુલ્લા રાખવાની શરત ફરજિયાત કરવામાં આવશે.

મનપામાં શૌચાલયના કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા હિસાબ રાખવાના મુદ્દે મહિને ૧૦ હજાર લેવાનો મુદ્દો ભાજપ સંગઠનમાં પ્રદેશ કક્ષાએ પહોંચ્યો હતો. જોકે પ્રદેશ તરફથી પગલા ન લેવાતા આમઆદમીના મનમાં ઘેરી છાપ પડી હતી. જાહેર શૌચાલયમાં હવેથી એર પ્યોરિફાયર લગાડવાનું પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા સરકાર સમક્ષ સફાઇના સંબંધમાં સર્ટીફિકેટ મેળવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. તેમાં આવી સુવિધા કરવી અનિવાર્ય હોય છે અને આગામી દિવસોમાં જાહેર શૌચાલયમાં સુગંધ પ્રસરાવતા એર ફ્રેશનર પણ લગાડવાનું પણ ફરજિયાત કરવામાં આવનાર છે.

પાટનગરમાં આવેલા વિવિધ જાહેર શૌચાલયમાં ગંદકીની વાત નવી રહી નથી. તેથી આવી સમસ્યા દૂર કરવા માટે તંત્ર તરફથી ખાસ આયોજન થઈ રહ્યુ છે જેનો અમલ કરવાનો રહેશે.

Previous articleલોકોમાં જાગૃતિ આવે તો જ ડેન્ગ્યુ, મેલરિયા અને અન્ય પાણીજન્ય રોગો અટકાવી શકાય : પરબત પટેલ
Next articleસ્વચ્છતા સર્વેક્ષણમાં ૧ થી ૧૦૦ ક્રમમાં આવનારા નગરોને વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ અપાશેઃમુખ્યમંત્રી