૪૫ તાલુકાના ગામોનાં ખેડૂતોને ખાસ સહાય આપવાનો નિર્ણય

1186

અછત અંગે પ્રધાન મંડળની પેટા સમિતિની મળેલી બેઠક અંગે માહિતી આપતા ગુજરાત રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક ભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા ૫૧ તાલુકાઓમાં જરુરિયાત મુજબના ગામોમાં કેટલ કેમ્પ – ઢોરવાડા આગામી ૧૫  ડિસેમ્બરથી શરુ કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યમાં અછતની પ્રવર્તમાન સ્થિતી તેમજ અછત અંગે કરવામાં આવી રહેલી રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કૌશિક પટેલે જણાવ્યું કે કેટલ કેમ્પ અંગેના ધારા-ધોરણો નક્કી કરી દેવામાં આવ્યા છે તેમજ આ અંગેની તમામ સત્તાઓ જે તે જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે. કેટલ કેમ્પના પશુઓને પ્રતિદિન પશુદિઠ રુપિયા ૨૫ની પશુ સહાય ચૂકવવામાં આવશે.

મહેસૂલ પ્રધાને ઉમેર્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના ધારાધોરણ મુજબ અછતગ્રસ્ત એવાં ૫૧ તાલુકાઓ તથા આ વર્ષની ઓછા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ, ખાસ કિસ્સા તરીકે જાહેર કરવામાં આવેલા અન્ય ૪૫ તાલુકાઓ મળી કુલ ૯૬ તાલુકાઓના ખેડૂતોને ખાસ સહાય આપવા માટે કરવામાં આવેલા નિર્ણય અંતર્ગત રાજ્યના ૧૩ લાખથી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રુપિયા ૬૮૦૦ ની ૨ હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ મળે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, નર્મદા, સિંચાઈ અને પાણી પુરવઠા એમ ત્રણેય વિભાગનું સંકલન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરી આગામી જૂન માસ સુધી સિંચાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા અંગે આયોજન કરી આગામી અછત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સાથે જ જે વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ થઈ શકે તેમ છે તેવા વિસ્તારોમાં ઘાસચારો ઉગાડવા માટે ખેડૂતોને અગ્રતાક્રમે વિજ કનેક્શન ઉપલબ્ધ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો. અછતની પરિસ્થિતિ ધ્યાને લેતાં ૭૫૦ લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયુ છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ૩૩૫ લાખ કિલોગ્રામ જેટલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. દુષ્કાળ અંતર્ગત અસરગ્રસ્તોને રોજગારી અંગે અંગે માહિતી આપતાં કહ્યં કે, રાજ્ય સરકાર દ્વારા મનરેગા  યોજના હેઠળ વર્ષના ૧૦૦ દિવસની રોજગારીના બદલે ૧૫૦ દિવસ જેટલી રોજગારી મળી રહે તેવું આયોજન કરાયું છે. જે અંગેની દરખાસ્ત પણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે.

Previous articleભારત-ઑસ્ટ્રેલિયા આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ
Next articlePM મોદી ૨૨ ડિસેમ્બરે મહિલા મોરચાના અધિવેશનમાં હાજરી આપશે