ગુજરાતમાં હાઇએલર્ટ, અમદાવાદમાં CRPF તૈનાત

598

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેને લઇને ગુજરાતમાં પણ હાઈ અલર્ટના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એટલું જ નહીં હાઈ અલર્ટના પગલે અમદાવાદ શહેરના શાહપુર, ખાનપુર, શહેર કોટડા સહિતના સંવદેનશીલ વિસ્તારોમાં સીઆરપીએફના જવાનોને જેકેટ અને હથિયારો સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે.

જ્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા પણ સુરક્ષાના કારણોસર જાહેર સભાઓ અને સરઘસો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી સુરક્ષાને લઈને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

દેવભૂમિ દ્વારકામાં પણ દરિયાઈ સીમાને લગતા વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરિયામાં માછીમારી માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઓખા ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન દ્વારા ખાસ સૂચના પણ આપી દેવાઈ છે કે દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને ટોકન પણ ઈસ્યૂ ના કરવા કારણકે સુરક્ષાનો સવાલ છે. આ સિવાય દરિયામાં માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પણ તાત્કાલિક ધોરણે પરત બોલાવાઈ છે. જેના પગલે દેવભૂમિ દ્વારકામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. જામનગર ખાતે સૈન્યની ત્રણેય પાંખના જવાનોને સ્ટેન્ડ ટુનો આદેશ અપાયો છે. અઘોષિત યુધ્ધની સ્થિતિને લઇને સૈન્યની ત્રણેય પાંખની ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે. જ્યારે કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસે જિલ્લાના નવ નિર્જન ટાપુઓ પર ચેકિંગ કર્યું છે.

હાલાર દરિયાઇ સીમા પર સૈન્યની અસામાન્ય હિલચાલ જોવા મળી રહી છે. સમુદ્રમાં ગયેલા ૧૫૦૦થી વધુ માછીમારો બોટને પરત બોલાવી લેવામાં આવી છે. જ્યારે ૬ હાઇ સ્પીડ બોટથી મરિન પોલીસની નવ નોટિકલ માઇલ સુધી વોચ છે. જ્યારે જામનગર પોલીસ દ્વારા શંકાસ્પદ હિલચાલ અંગે નાગરિકોને સચેત રહેવા પ્રશાસનને અપીલ કરવામાં આવી છે.

Previous articleST કર્મચારીઓના પ્રશ્નોને લઇને ગાંધીનગરમાં બેઠક યોજાઇ
Next articleઅમદાવાદમાં ૨થી ૧૬ માર્ચ સુધી ધારા ૧૪૪ લાગુ, ૪થી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ