હું દેશનો મજૂર નં.-૧ છું : મોદી

645

વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાને અમદાવાદના વસ્ત્રાલ ખાતે લોન્ચ કરી છે. શ્રમયોગી માનધન યોજના લોન્ચ કરતા મોદીએ કહ્યું કે, ‘હું આ દેશનો મજૂર નંબર વન છું. ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, કેટલાક લોકો માટે ગરીબી એ માનસિકતા છે. ૫૫ વર્ષ સુધી આ લોકોએ ‘ગરીબી હટાવો’ ના માત્ર રાષ્ટ્રીય નારા લગાવ્યા છે પરંતુ મારી સરકાર માત્ર ૫૫ મહિનામાં જ શ્રમિકો-ગરીબો માટે આદર્શ યોજનાઓ અમલી બનાવી છે. વડાપ્રધાનએ આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો અમદાવાદથી દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અસંગઠિત ક્ષેત્રના ૪૨ કરોડ શ્રમયોગીઓને આ યોજનાનો લાભ મળશે. ૬૦ વર્ષની ઉંમર પછી ૩૦૦૦નું નિશ્ચિત પેન્શન મળશે. ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના શ્રમયોગીઓના ફાળા જેટલી જ રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે. હું દેશનો પ્રથમ નંબરનો મજૂર છું તેનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે, કેટલાક લોકો ગરીબીને માત્ર માનસિક અવસ્થા ગણાવે છે. તેમને ભૂખ્યા ગરીબોની દારૂણ પરિસ્થિતિનો ખ્યાલ સુધ્ધાં નથી. દેશમાં ગરીબી એ માનસિકતા નથી એવું માનનાર અને સમજનાર લોકોની માનસિકતાને કારણે આ વ્યથા જન્મી છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના શ્રમિકોની વૃધ્ધાવસ્થાનો આધાર – સહારો પૂરવાર થશે. મારી સરકાર આવા શ્રમિકો સાથે જ ખભો મિલાવીને કામ કરવા તત્પર છે. આ યોજના દેશના ૪૨ કરોડ શ્રમિકો-કામદારોની સેવાનો અવસર છે. ભવ્ય ભારતના નિર્માતા એવા શ્રમિકોનો પરસેવો એળે ન જાય તે રીતે શ્રમિકોના પરસેવાનું તિલક મા ભારતીને આજે થઇ રહ્યું છે. દેશમાં ઘરે ઘરેથી કચરો ઉઠાવનારા કપડાં-વાસણ ધોવાવાળા, ખેતમજૂરો, રોડ નિર્માણ કરનારા, મોચી, વણકર એમ અનેક વર્ગના શ્રમિકો માટે જીવન સુરક્ષિત કરવાનું લક્ષ્ય છે. ગરીબો-કામદારો-શ્રમિકો માટે પહેલાં પણ યોજના બનતી હતી તેનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે, યોજનાની મલાઇ વચેટીયાઓ ખાઇ જતા હતા પરંતુ હું આવા લોકોનો હાથ તેના પર પડવા દઇશ નહીં. તેમ તેમણે ચોકીદાર ચોકન્ના છે તેમ જણાવીને ઉમેર્યું હતું. હું એવો ચોકીદાર છું કે, મારા લીધે વચેટીયાઓ આકુળ-વ્યાકુળ બનીને ‘મોદી હટાવો’ ની ઝુંબેશ ચલાવે છે પણ દેશના જન-જનનાં આશિર્વાદ મારી સાથે છે અને તેના લીધે જ આ ચોકીદાર શ્રમિકોની સેવા માટે ખડે પગે ઉભો છે. તેમનો એક માત્ર ધ્યેય મોદી હટાવવાનો છે. તેઓ મોદી પર સ્ટ્રાઇક કરવા કટિબધ્ધ છે પરંતુ મોદી આતંકવાદ પર સ્ટ્રાઇક કરવા કટિબધ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે આ યોજનામાં ૧૪.૫૦ લાખ લોકો જોડાયા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરી છે અને આ યોજના દેશના શ્રમિકોને અર્પણ કરું છું. ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૯ એ કિસાનો-શ્રમિકો માટે સંસદમાં જાહેરાત કરી હતી અને આ બન્ને યોજનાઓ હકીકતમાં ધરા પર ઉતારી છે. આ યોજનાને પોતાના જીવનનું ભાવવાહી ઋણ ગણાવતાં મોદીએ કહ્યું કે, અનેક શ્રમિકોના હાથ-પગ ચાલતાં બંધ થઇ જાય ત્યારે શું કરીશું ? તેની ચિંતા ઘેરી વળતી હોય છે. આ ચિંતા શ્રમિકોએ હવે કરવી નહીં પડે. પરિવારમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે આ યોજના શ્રમિકો માટે એક સોનેરી અવસર સમાન છે. મોદીએ કહ્યું કે, શ્રમિકોએ આ યોજના માટે માત્ર ૫૫ થી ૨૦૦ રૂપિયા સુધીનું યોગદાન આપવાનું છે અને તેટલું જ યોગદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં ખાતુ ખોલાવવા માટે શ્રમિકોએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. આ ખાતુ ખોલાવવા માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આ યોજના માટે શ્રમિકો માસિક કેટલા રૂપિયા કમાય છે તેવું કોઇ પ્રમાણપત્ર પણ આપવાની જરૂર નથી કારણ કે મને મારા શ્રમિકોની ઇમાનદારી પર પૂરેપૂરો ભરોસો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ગરીબો-શ્રમિકોને સસ્તી સ્વાસ્થ્ય સેવા અંતર્ગત ૫૦ કરોડ લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળે છે તેનો ઉલ્લેખ કરી આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના કાર્યાન્વિત કરી છે.

માત્ર ૧ રૂપિયો પ્રતિ માસ પ્રિમિયમથી આ યોજના અમલી બનાવી છે. જેમાં ૨ લાખનું વિમા કવચ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ કરી મોદીએ જણાવ્યું કે, આ યોજનાના મહત્તમ લાભાર્થીઓ પણ ગરીબ-શ્રમિકો જ છે. એટલું જ નહીં અન્ય યોજનાઓના લાભાર્થીઓના કામનું સન્માન થવું જોઇએ તો જ વિકાસ સાર્થક થશે. શ્રમેવ જયતે જ દેશને આગળ લઇ જશે. સૌના સાથ, સૌના વિકાસનું સૂત્ર તો જ સાચા અર્થમાં સાકાર થશે. કામદારોની ગ્રેચ્યુએટી મર્યાદા પણ બમણી કરી છે. દિકરીઓને દરેક કાર્યક્ષેત્રમાં સાનુકૂળ વાતાવરણ મળે તે માટે પ્રયાસો ઉપરાંત માતૃત્વ રજા ૧૨ સપ્તાહથી વધારી ૨૬ સપ્તાહ કરી છે. એટલું જ નહીં સેનામાં પણ મહિલાઓનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરાયા છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનએ શ્રમયોગી પેન્શન કાર્ડનું વિતરણ દેશભરમાંથી આવેલા લાભાર્થીઓને કર્યું હતું.

Previous articleસરકારની પ્રતિતિ સામાન્ય પ્રજાને થઇ રહી છે : રૂપાણી
Next article૯મી પછી ગમે ત્યારે ચૂંટણીની તારીખોનું એલાન