બનાસકાંઠામાં પશુઓ અને માણસ એક જ હવાડેથી પાણી પીવે છે

648

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું અસારા ગામ. અમે લગભગ સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગામમાં પહોંચ્યા. કારમાંથી ઉતરીને જે પહેલું દૃશ્ય અમે જોયું તો તેનાથી રીતસર રૂંવાડા ખડા થઈ ગયા. અમે જોયું કે ગામના ચોકમાં એક હવાડો હતો, જેમાં થોડાક સમય પહેલાં ટેન્કર પાણી ઠલવી ગયું હતું અને તેમાંથી ગામની મહિલાઓ બેડલા ભરીને પાણી લઈ જતી હતી અને પછી તે જ હવાડામાં ગામના માલ-ઢોર પાણી પણ પીતા હતા. આમ, માણસ હોય કે જનાવર, બધાને પીવાના પાણીનો ગામમાં એક જ સ્ત્રોત અને તે હતો આ હવાડો. બનાસકાંઠામાં પાણીની ખૂબ તકલીફ છે એ તો સાંભળ્યું હતું પણ માણસ અને ઢોર એક જ હવાડામાંથી પાણી પીવે તેવું દૃશ્ય ખરેખર હૃદય વલોવી નાંખે તેવું હતું. વધુ આઘાતજનક બાબત તો એ છે કે આ એ જ વિસ્તાર છે જ્યાંથી ગુજરાતના હાલના પાણી પૂરવઠા મંત્રી પરબત પટેલ ભાજપની ટિકિટ પર લોકસભાના ઉમેદવાર તરીકે ઊભા છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓની મુલાકાતે પહોંચી ત્યારે આવા તો ઘણા ચોંકાવનારા તથ્યો ઉજાગર થયા હતા. પાણી પૂરવઠા મંત્રી હોવા છતાં પરબત પટેલે આ વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા શું કર્યું તે અહીં નજરે જોઈ શકાય છે. તેમાં પણ સરહદી વિસ્તાર વાવ તાલુકાના ગામડાઓની સ્થિતિ અત્યંત દયનીય છે. અહીં વીજળી, પાણી, શિક્ષણની ખૂબ મોટી સમસ્યા છે. આ લોકો રોજ સારી આવતીકાલની આશાએ પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. આ સ્થિતિની સામે ભાજપ-કોંગ્રેસનું સત્તાનું રાજકારણ તો સાવ ક્ષુલ્લક લાગે છે.

અસારાગામના સમલીપરા વિસ્તારમાં ઠાકોર અને રાજપૂત સમુદાયના લોકો રહે છે. આ ગામમાં બહાર એક હવાડો અને એક ટાંકી આવેલી છે. અહીં પશુઓ અને મનુષ્યો માટે પાણી પીવા માટેની એક જ વ્યવસ્થા છે. આ જ પાણીનો બન્નેએ ઉપયોગ કરવો પડે છે. આ ગામના ભીખાજીના ઘરમાં વીજળી ન હતી છતાં તેમની મહેમાનગતિની ખુમારી આપણને શરમાવે તેવી હતી. તેમણે અમને જણાવ્યું કે અમારા ગામમાં બે-ત્રણ દિવસે ટેન્કરથી પાણી આવે છે. આ પાણીનો ઉપયોગ અમે કરીએ છીએ અને તે જ પાણી પશુઓ માટે છે. અહીં પ્રાણીઓ માટે પાણીની કોઇ અલગ વ્યવસ્થા નથી. પીવાના પાણીના સાંસા હોય ત્યાં ખેતી ક્યાંથી કરવાની.

આ ગામમાં પાણી નથી, ઉદ્યોગો નથી, ખેતી નથી તો લોકોનું ગુજરાન કેમનું ચાલતું હશે તે પ્રશ્ન અમને થયો હતો. ગામના લોકોના રોજગાર અને આવકનું સાધન કયું તે વિશે પૂછ્યું તો ભીખાજીએ અમને કહ્યું કે, ગામલોકોની આવકનું એક માત્ર સાધન પશુઓનું મળ છે. આ મળને એકત્ર કરી તેનુ ખાતર બનાવીને સ્થાનિકો વેચે છે. ગામની મહિલાઓ સવારે પાણી ભરીને આવે ત્યાં સુધીમાં બપોર થઈ જાય છે. પછી તેઓ આખો દિવસ પશુઓનું મળ એકત્ર કરવા તગારા લઈને આમ-તેમ દોડે છે. આ મળનું છાણિયું ખાતર બનાવી તેને વેચીને જે આવક થાય તેમાંથી તેમનું ગુજરાન ચાલે છે.

ગામના અગ્રણી શકરાજીએ કહ્યું કે, અમારા ગામ સુધી કોઇ પાણીની કેનાલમાં પાણી પહોંચતુ નથી. આગળથી વગદાર લોકો મોટર મૂકી કેનાલમાંથી પાણી ચોરી લે છે તેથી અહીં સુધી પાણી પહોંચતું નથી. આ ગામમાં ૬૦ ઝુંપડા છે પરંતુ ત્યાં રહેતા બાળકોને ભણવા માટે ૮થી ૯ કિમી દૂર જવુ પડે છે.

ગામના લોકો માટે વાહન-વ્યવહારની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગામના બાળકો ત્યાં ભણવા જઇ શકતા નથી. એક જગ્યાએ અમને એક શાળા જોવા મળી હતી જેની પાસે પાણીની વ્યવસ્થા હતી પરંતુ તેમાંથી ખારું પાણી આવતું હતું. બીજી તરફ આ વિસ્તારમાં રખડતા ઢોરોના ઘાસચારા અને પાણી વિના મોટા પ્રમાણમાં મોત થાય છે. સરહદી વિસ્તાર હોવાથી અહીં આર્મી અને બીએસએફના કેમ્પ જોવા મળ્યા હતા.

વાવ તાલુકાના ઘનસરા ગામમાં પહોચ્યા ત્યારે અમારી કાર જોઇને ગામના બાળકો યુવાનો ટોળે વળ્યા હતા. તેમને એવુ લાગતુ હતુ કે અમે સરકારમાંથી આવીએ છીએ અને તેમની મદદ માટે આવ્યા છીએ. પરંતુ તેમને પરિચય આપ્યો ત્યારબાદ તેમણે તેમની સમસ્યાઓ જણાવી હતી. તેઓ કહેતા હતા કે ગામમાં વીજળી-પાણીની સમસ્યા છે અને તે જ અમારો સૌથી મોટો પ્રશ્ન છે. અહીંના લોકો મૂળ પાકિસ્તાનથી આવેલા કોળી ઠાકોર સમાજના છે. અહીં અપુરતું પાણી છે અને ગામના લોકોને પહેલા રોજગારી મનરેગા સિવાય કોઇ રોજગારી નથી. પાણી ન હોવાના કારણે તેઓ પશુપાલન કે ખેતી પણ નથી કરી શકતા. અહીંના લોકો સાંજે સૂર્યાસ્ત પહેલા જમી લે છે કારણ કે વીજળી તો છે જ નહીં.

ગામલોકો પાસે ઘાસચારો ખરીદવા પૈસાની કોઇ વ્યવસ્થા નથી. નજીકના ગામમાં રહેતા એક સેવાભાવી અઠવાડીયે ઘાસચારો ખરીદીને આપે છે પરંતુ તે લેવા જવા આ લોકો પાસે કોઇ સાધન વ્યવસ્થા નથી. અહીં ૧૮૦૦ મતદાર છે અને જે બધા ચૂંટણી માટે ખૂબ જ ઉત્સુક હતા. તેઓ જાગૃત પણ છે અને વોટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. કેટલાક ગામોથી મતદાન મથક ૯ કિમી દૂર છે જેથી કેટલાક લોકો પોતાની રોજિંદી હાડમાંરીથી બહાર આવે ત્યાર બાદ મતદાન કરવા જઇ શકે.

Previous articleસનરાઈઝ-કોલકાતા વચ્ચે આજે મેચ  વોર્નર, કાર્તિક અને લિન પર નજર રહેશે
Next articleચંદ્રાલામાં હનુમાન જયંતિની ઉજવણી કરાઇ