દિલ્હી સહિત ઉત્તર ભારતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદનાં કારણે ઠંડી

74

નવીદિલ્હી,તા.૪
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતનાં વિવિધ ભાગોમાં વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા ચાલુ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ફેબ્રુઆરીનાં આગમન બાદ પણ વાતાવરણ ઠંડુ થયુ છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે. રાજધાનીમાં આગલા દિવસે પણ વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. જો કે આવતીકાલથી દિલ્હીવાસીઓને વરસાદથી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત ચંદીગઢમાં આજનું લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહેશે. અહીં પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. આ સાથે જ ઉત્તરાખંડમાં આજે પણ વરસાદી માહોલ જારી રહેશે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર અહીં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૧૪ ડિગ્રી રહેશે. જયપુરની વાત કરીએ તો અહીં વરસાદ નહીં પડે આઇએમડી અનુસાર, જયપુરમાં આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.આ સિવાય લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. મહત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. લખનઉમાં પણ વરસાદ પડશે. બીજી તરફ લેહમાં ઠંડીનું જોર યથાવત રહેશે. આજે અહીંનું લઘુત્તમ તાપમાન પહેલાની જેમ માઈનસ ૧૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન માઈનસ ૨ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. બિહારમાં આજે વરસાદની સંભાવના છે. રાજધાની પટનામાં આજે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે મહત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. પટનામાં આજે વરસાદ પડશે. આવતીકાલે પણ શહેરમાં વરસાદની સંભાવના છે.

Previous articleઝુકરબર્ગ-અંબાણીથી અદાણી અબજોપતિની યાદીમાં આગળ
Next articleમહુવા યાર્ડની ચૂંટણીમાં ઘનશ્યામભાઈની પેનલનો વિજય