ફાસ્ટટેગ ટોલની માર્ચની વસૂલાત ૪૦૦૦ કરોડ થઈ

58

વાર્ષિક દ્રષ્ટિએ ફાસ્ટટેગ ટોલ કલેક્શનમાં ૩૩%નો વધારો નોંધાયો, ફેબ્રુ.ની સરખામણીએ લગભગ ૧૩ ટકા વધી
નવી દિલ્હી, તા.૯
ટેક્સ કલેક્શન ઈતિહાસમાં સૌથી વધુ રહ્યાં બાદ આર્થિક રિકવરીનો વધુ એક પર્યાય દેશના ટોલ ટેક્સ કલેક્શનમાં પણ જોવ મળ્યો છે. વધતી ગતિશીલતા અને ફાસ્ટટેગ લોકો દ્વારા વધુ ને વધુ અપનાવતા ટોલ ટેક્સ કલેક્શનમાં માર્ચમાં રૂ. ૪૦૯૫ કરોડની આવક થઈ છે, જે ૨૦૧૬માં લાગુ કરવામાં આવેલ ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ બાદની સૌથી વધુ આવક છે. ઈતિહાસમાં પ્રથમ વખત ફાસ્ટટેગ દ્વારા ટોલ વસૂલાત રૂ. ૪૦૦૦ કરોડના આંકને વટાવી ચૂકી છે. વાર્ષિક દ્રષ્ટિએ ફાસ્ટટેગ ટોલ કલેક્શનમાં ૩૩%નો વધારો નોંધાયો છે અને ફેબ્રુઆરીની સરખામણીએ લગભગ ૧૩ ટકા વધી છે. નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર નવા ૫ કરોડ ટેગ ઈસ્યુઅન્સ સાથે ગત મહિને કુલ ૨૭ કરોડથી વધુ ફાસ્ટટેગ ટ્રાન્ઝેકશન નોંધવામાં આવ્યા હતા. માર્ચના ઐતિહાસિક કલેક્શનની સામે સમગ્ર નાણાંકીય વર્ષમાં ફાસ્ટ ટેગ દ્વારા હાઇવે પરની ટોલ વસૂલાત રૂ. ૩૮,૦૮૪ કરોડ રહી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં ૬૮ ટકા વધારે છે. સમગ્ર નાણાકીય વર્ષના કુલ કલેક્શનમાં છેલ્લા ક્વાર્ટરની આવકનો હિસ્સો ૩૩%થી વધુ છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ફી પ્લાઝાની તમામ લેનને ફાસ્ટેગ લેન તરીકે જાહેર કરી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અગાઉ જણાવ્યું હતું કે પેસેન્જર વાહનોમાં ફાસ્ટટેગ અપનાવવાનું પ્રમાણ ૯૭ ટકા સુધી પહોંચી ગયું છે અને બાકીના હાઇવે પ્રવાસીઓ હજી કેમ ફાસ્ટટેગ નથી વાપરતા તે અંગેના કારણો શોધવાનું કમ ચાલુ છે. નવા વર્ષના અંદાજ અંગે વિભાગના સચિવ ગિરધર અરમાણેએ કહ્યું છે કે ૨૦૨૨-૨૩માં ૩૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ટોલ રેવન્યુ વસૂલાતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે અને ૨૦૨૫ના અંત સુધીમાં લક્ષ્યાંક અડધા ટ્રિલિયન રૂપિયાનો છે. તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યૂપીઆઈ) સાથે જોડાયેલા ટોલ દરમાં ૨૦૨૨-૨૩ માટે વધારો કર્યો છે.

Previous article૨૦૨૧-૨૨માં દેશનું ટેક્સ કલેક્શન ઐતિહાસિક ૨૭.૦૭ લાખ કરોડ
Next articleયુપીના મુખ્યમંત્રી ઓફિસનું ટ્‌વીટર એકાઉન્ટ હેક કરાયું