કોલસાની અછતથી દેશના ડઝન રાજ્યોમાં ભારે વીજ સંકટ

43

દેશમાં ગરમી વધવાની સાથે વીજળીની માગમાં પણ જોરદાર વધારો : યુપીમાં સાત દિવસ ચાલે એટલો જ કોલસાનો સ્ટોક, પંજાબમાં વીજ સંકટને લઈને કોંગ્રેસના સિધ્ધુના નેતૃત્વમાં રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ બહાર ધરણા
લખનૌ, તા.૨૭
ગરમી વધવાની સાથે જ વીજળીની માગ પણ વધી રહી છે. બીજી તરફ તેની ઉપલબ્ધતામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે વીજ સંકટ ઘેરુ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઝારખંડ સહીત દેશના અનેક રાજ્યોમાં વીજળી સંકટને જોતા વીજ કાપ શરૂ થઈ ગયો છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી થઈ રહી છે. સૌથી વધારે વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં કોલસાનો સ્ટોક પણ જરૂરતના પ્રમાણમાં માત્ર ૨૬% જ બચ્યો છે. જેના કારણે વીજ સંકટ વધુ ઘેરું બનવાનો જોખમ વધી ગયો છે. યુપીની વાત કરીએ તો વીજળી સંકટની વચ્ચે પ્રદેશના થર્મલ પાવર સ્ટેશનોની પાસે માત્ર એક ચતુર્થાંશ કોલસો જ બચ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આકરી ગરમીને કારણે વીજળીની માંગ વધી ગઈ છે. એપ્રિલ મહિનામાં વાજળીની માગ ૩૮ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. રાજ્ય સરકારની માલિકીની યુપી સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન પાસે કોલસાના સ્ટોકમાંથી માત્ર ૨૬ ટકા જ બચ્યો છે.મળતી માહિતી પ્રમાણે યુપીના અનપરા થર્મલ પાવર પ્રોજેક્ટની ક્ષમતા ૨૬૩૦ મોગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે. સામાન્ય રૂપે ત્યાં ૧૭ દિવસનો કોલસો સ્ટોક રહે છે. હરદુઆગંજમાં ૧૨૬૫ મેગાવોટ, ઓબરામાં ૧૦૯૪ મેગાવોટ અને પરિછામાં ૧૧૪૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. ધોરણો અનુસાર ૨૬ દિવસ માટે કોલસાનો સ્ટોક હોવો જોઈએ પણ તેટલો સ્ટોક નથી રહ્યો. અનપરામાં ૫ લાખ ૯૬ હજાર ૭૦૦ ટન કોલસાનો સ્ટોક રહેવો જોઈએ પરંતુ ત્યાં ૩ લાખ ૨૮ હજાર ૧૦૦ ટન કોલસો જ સ્ટોકમાં છે. હરદુઆગંજમાં પણ ૪ લાખ ૯૭ હજાર ટનના બદલે ૬૫ હજાર ૭૦૦ ટન કોલસો બચ્યો છે. ઓબરામાં ૪ લાખ ૪૫ હજાર ૮૦૦ ટનના બદલે ૧ લાખ ૫૦૦ ટન કોલસોજ સ્ટોકમાં છે. પરિછામાં ૪ લાખ ૩૦ હજાર ૮૦૦ ટનના બદલે ૧૨ હજાર ૯૦૦ ટન કોલસો જ ઉપલબ્ધ છે. બધા થર્મલ પાવર પ્લાન્ટસમાં ૧૯ લાખ ૬૯ હજાર ૮૦૦ ટન કોલસાનો સ્ટોક રહેવો જોઈએ પરંતુ તે માત્ર ૫ લાખ ૧૧ હજાર ૭૦૦ ટન જ છે. મળતી માહિતી પ્રમાણે યુપી પાસે સાત દિવસનો જ સ્ટોક બચ્યો છે. હરિયાણા પાસે ૮, રાજસ્થાન પાસે ૧૭ દિવસનો કોલસો જ સ્ટોકમાં બચ્યો છે. દેશમાં વીજળીની માંગ વધી રહી છે ત્યારે કોલસાની અછતને કારણે સંકટ વધુ ઘેરુ ન બને તે માટે વીજ મંત્રાલયે કોલસાની આયાત વધારવાની માંગ કરી છે. યુપી થર્મલ પાવર પ્લાન્ટ માટે વિદેશોથી કોલસાની ખરીદી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. યુપીના લલિતપુરમાં આવેલ બજાજ પાવર પ્લાન્ટમાં ત્રણ એકમોમાંથી ૧૯૮૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. ધારાધોરણો પ્રમાણે પાવર પ્લાન્ટમાં ૨૯ દિવસનો કોલસો સ્ટોકમાં હોવો જોઈએ પરંતુ અહીં માત્ર ૪ દિવસનો જ સ્ટોક બચ્યો છે. ઉર્જા પ્રદેશ તરીકે ઓળખાતા ઉત્તરાખંડમાં પણ વીજળીની અછત વધી ગઈ છે. રાજ્યને ૧૫ મિલિયન યુનિટની સામે માંડ ૫ મિલિયન યુનિટ વીજળી મળી રહી છે. આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજકાપ ચાલું છે. વીજળી સંકટને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓની સાથે ૩ કલાકની મેરેથોન બેઠક કરી હતી. મહારાષ્ટ્રને ૨૫ હજાર મોગાવોટ વીજળીની જરૂરત સામે રાજ્યને ૨૧થી ૨૨ હજાર મેગાવોટ વીજળી જ મળી રહી છે. પંજાબમાં વીજળી સંકટને લઈને નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટની બહાર ધરણા કર્યા હતા. ઝારખંડ વિદ્યુત નિગમ લિમિટેડે વીજળી સંકટને ધ્યાનમાં રાખી અપીલ કરી છે કે, સાંજે ૭થી ૧૧ વાગ્યે રાત સુધી લોકો એસીસહીત વધારે વીજળી ખર્ચ થતી ઈલેક્ટ્રીક વસ્તુઓ ન ચલાવવી.

Previous articleવેટ ઘટાડી પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત આપવા માટે મોદીની અપીલ
Next articleવધતા કેસથી ડરવાની નહીં સાવચેતી રાખવી જરૂરી : મોદી