વેટ ઘટાડી પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત આપવા માટે મોદીની અપીલ

53

મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રુપિયાને પાર પહોંચી ગયા : વેટ ના ઘટાડી છ મહિનામાં કેટલાક રાજ્યોએ મોટા પ્રમાણમાં રાજસ્વ પ્રાપ્ત કર્યું, પરંતુ હવે તેમણે નાગરિકોને રાહત આપવી જોઈએ : વડાપ્રધાન
નવી દિલ્હી, તા.૨૭
દેશના લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલના ભાવ ફરી ૧૦૦ રુપિયાને પાર થઈ ગયા છે, ત્યારે હવે પીએમ મોદીએ રાજ્યોને વેટમાં કાપ મૂકી નાગરિકોને રાહત આપવા માટે અપીલ કરી છે. પીએમે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૧માં એક્સાઈઝ ડ્યૂટી પર કાપ મૂક્યો હતો જેના કારણે મોંઘા પેટ્રોલ અને ડીઝલમાં લોકોને રાહત મળી હતી. તે સમયે કેન્દ્ર સરકારની વાત માની કેટલાક રાજ્યોએ પણ વેટ ઘટાડ્યો હતો, પરંતુ જે રાજ્યોએ તે વખતે પણ વેટ નહોતો ઘટાડ્યો ત્યાં આજે પણ પેટ્રોલ ખૂબ મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. પીએમે જણાવ્યું હતું કે, વેટ ના ઘટાડી છ મહિનામાં કેટલાક રાજ્યોએ મોટા પ્રમાણમાં રાજસ્વ પ્રાપ્ત કર્યું છે, પરંતુ હવે તેમણે નાગરિકોને રાહત આપવી જોઈએ. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અંગે પીએમે આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ઓનલાઈન સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનો તાલમેલ પહેલાથી વધુ આવશ્ય છે. તેમાંય ખાસ કરીને હાલ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે ત્યારે દિવસેને દિવસે પડકારો વધી રહ્યા છે. આવા સંકટના સમયમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તાલમેલને ઓર વધારવો અનિવાર્ય છે પેટ્રોલ અને ડીઝલની કિંમતોનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું હતું કે, દેશવાસીઓ પર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતનો બોજ ઓછો કરવા કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૧ એક્સાઈઝ ડ્યટી ઘટાડી હતી. કેન્દ્રએ રાજ્યોને પણ ટેક્સ ઘટાડી નાગરિકોને રાહત આપવા વિનંતી કરી હતી. કેટલાક રાજ્યોએ ટેક્સ ઘટાડ્યો, પરંતુ કેટલાક રાજ્યોએ પોતાના નાગરિકોને કોઈ લાભ નહોતો આપ્યો. જેના કારણે વેટ ના ઘટાડનારા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય રાજ્યોથી ઘણી વધુ છે, જે એક રીતે આ રાજ્યના લોકો સાથે અન્યાય તો છે જ, પરંતુ તેની સાથે તે પાડોશી રાજ્યોને પણ નુક્સાન થઈ રહ્યું છે પીએમે કહ્યું હતું કે, જે રાજ્યોએ ટેક્સમાં કાપ મૂક્યો છે તેમને આવકમાં નુક્સાન થયું છે. તેનું ઉદાહરણ આપતા પીએમે કહ્યું હતું કે, કર્ણાટકે જો વેટ ના ઘટાડ્યો હોય તો તેને પાંચેક હજાર કરોડની વધુ આવક મળી શકી હોત, તે જ રીતે ગુજરાતે જો ટેક્સ ના ઘટાડ્યો હોય તો તેને ચારેક હજાર કરોડની આવક પ્રાપ્ત થઈ શકી હોત, પરંતુ તેમ છતાંય નાગરિકોને તકલીફ ના પડે તે માટે રાજ્યોએ કરમાં ઘટાડો કર્યો, પરંતુ ગુજરાત અને કર્ણાટકના પાડોશી રાજ્યોએ ટેક્સ ના ઘટાડીને આ જ ગાળામાં સાડા ત્રણ હજારથી પાંચ-સાડા પાંચ હજાર કરોડનું વધુ રાજસ્વ પ્રાપ્ત કર્યું છે.આપના રાજ્યોના નાગરિકોની ભલાઈ માટે પ્રાર્થના કરું છું કે પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડો તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, બંગાળ, કેરળ, ઝારખંડ, તમિલનાડુ જેવા રાજ્યોએ ટેક્સમાં કાપ મૂકવાની વાત નહોતી માની. તેમણે મુખ્યમંત્રીઓને એમ પણ કહ્યું હતું કે, દેશહિતમાં આપને વેટ ઘટાડવાનું જે કામ ગત નવેમ્બરમાં જે કરવાનું હતું, તેનો છ મહિના બાદ પણ અમલ કરીને રાજ્યના નાગરિકોને તેનો લાભ આપો. પીએમે કહ્યું હતું કે, ભારત સરકારને જે આવક મળે છે તેના ૪૨ ટકા રાજ્યોને આપવામાં આવે છે. વૈશ્વિક સંકટના સમયમાં આપણે સૌ એક ટીમ તરીકે કામ કરીએ. વેટ ઘટાડનારા અને ના ઘટાડનારા રાજ્યોમાં હાલના પેટ્રોલ અને ડીઝલના ભાવની સરખામણી કરતા પીએમે કહ્યું હતું કે, આજે ચેન્નઈમાં પેટ્રોલ ૧૧૧ રુપિયે લિટર વેચાય છે, જ્યારે જયપુરમાં તેનો ભાવ ૧૧૮ રુપિયાથી પણ વધારે છે. તે જ રીતે હૈદરાબાદમાં પેટ્રોલ ૧૧૯ રુપિયા, કોલકાતામાં ૧૧૫ રુપિયા અને મુંબઈમાં ૧૨૦ રુપિયા પ્રતિ લિટરથી વધારે વેચાય છે. તો બીજી તરફ વેટના દરમાં ઘટાડો કરનારા દીવ-દમણમાં પેટ્રોલ ૧૦૨, લખનૌમાં ૧૫, જમ્મુમાં ૧૦૬ જ્યારે ગૌહાટીમાં પેટ્રોલ ૧૦૫ રુપિયા પ્રતિ લિટર વેચાય છે.

Previous articleઅનોખા લગ્નના ચાંદલા!!!
Next articleકોલસાની અછતથી દેશના ડઝન રાજ્યોમાં ભારે વીજ સંકટ