અનોખા લગ્નના ચાંદલા!!!

52

લગ્ન સમારોહમાં સૌથી કઠિન કામ ચાંદલો લખાવવાનું છે. લક્ષ્મી એ હાથનો મેલ છે. કમનસીબે આપણને પરસેવો વળે છે પણ હાથમાં મેલ લાગતો નથી, પછી ભલે હાથ ધૂળમાં રગદોળીશ.
રિસેપ્શન સ્ટેજ પર ચડી નવદંપતિને આશીર્વાદ કે શુભેચ્છા સાથે કવર અગર ગિફટ આપવી એ પણ કપરૂં કામ છે!! સ્ટેજની નીચે સીડી પર અને નીચે પણ લાંબી લાઇન હોય છે. અહીંયા ફલેકસી રેઇટ કે તત્કાલ યોજના જેવી સ્કિમ હોતી નથી કે સો રૂપિયા પ્રીમિયમ ભરોને સીધા નવદંપતિને અગ્રતાના ધોરણે આશીર્વાદ આપી શકો. ઘણીવાર પાંચસોનો ચાંદલો કરવા મનોમન વિચાર્યું હોય પણ રેઢિયાળ ફૂડ ખાઇને વિપક્ષની જેમ ચાંદલા કાપ દરખાસ્ત પસાર કરવી પડે!!!ઘણા લોકોને શેકસપિયરના નાટક મેકબેથની જેમ ટુ બી ઓર નોટ ટુબી જેમ ચાંદલો જમ્યા પહેલા કરવો કે જમ્યા પછી કરવો તેની દ્વિધા અનુભવતા હોય છે!!
લગ્ન જેવા પ્રસંગોમાં યજમાનને મદદ કરવા કે બીજા કોઇ કારણસર ચાંદલો કરવાની વ્યવસ્થા શરૂં થઇ હશે. હડપ્પા કે લોકલના પુરાતત્ત્વ ઉત્ખનનમાં આને લગતી કોઇ નક્કર વિગતો કે દસ્તાવેજ સાંપડ્યા નથી. કુમારસંભવ કે કાદંબરી કે ઇવન રામાયણમાં પણ આનો કોઇ ફોડ પાડવામાં આવેલ નથી. પહેલાના સમયમાં ચાંદલો કેટલો કરવો એ વિકટ સમસ્યા ન હતી. ૫૬ સભ્યો ધરાવતું નાનું કુટુંબ સુખી કુટુંબ બે ટંક જમીને સવા રૂપિયાનો અઢળક ચાંદલો કરતા હતા. ચાંદલો રોકડ સ્વરૂપે હોય તો વાંધો આવતો નથી.પણ વસ્તુ સ્વરૂપે આવે તો?? વીસ જણા લા ઓપેલોના ડિનર સેટ આપે તો પછી નિકાલ માટે દુકાન કરવી કે ગિફટ પેપર બદલીને બીજા નવવિવાહિતોને ધાબેડી દેવી તેનું ગાઇડન્સ શૃંગાર શતક કે નીતિશતક કે ગિફટોપનિષદમાં પણ નથી.૧૦૦ નંબર ડાયલ કરવાથી પણ માર્ગદર્શન મળતું નથી!!
એ જમાનામાં રસોઇ માટે કેટરિંગ સેવાનો ખ્યાલ અબ્રહ્મણ્યમ કે લા હૌલ કુવ્વત હતો. મહોલ્લા કે શેરીની બેનો, સગાવ્હાલા રાંધવાનું કામ સંભાળી લેતા. પુરૂષવર્ગ તમાકુના ટપાકા અને હાસ્યના ઠહાકા સાથે રસોઇની સામગ્રી લાવવા, શાક સમારવા, પાથરણા, પાટલા , ઢીંચણિયા ( અરે ભાઇ કલ્પનાને લગામ દો. ઢીંચણિયા એટલે શરાબ સેવન કરનાર નહીં. જમતી વખતે ઢીંચણ નીચે સપોર્ટ માટે લાકડાનું અડધિયું મુકવામાં આવતું હતું તેની વાત કરૂં છું. જેને આની ખબર ન હોય અને ઢીંચણિયું લેશો એવી પૃચ્છાના જવાબમાં નિર્દોષ ભાવે અડધું એમ કહે એટલે નિર્ભેળ હાસ્યની છોળ ઉંડે!)
આજકાલ બુફે પ્રથા છે. ટેબલો પર વાનગીઓના બાઉલ મુક્યા હોય. તમારે વારાફરતી વાનગી લઇ લેવાની . પહેલા બેઠી પંગતમાં ભોજન લેવામાં આવતું હતું. એ હોરીજન્ટલ એરેન્જમેન્ટ હતી. હવે બુફેમા્‌ ઉભી પંગતમાં ભોજન લેવામાં આવે છે. એ વર્ટિકલ એરેન્જમેન્ટ છે. અલબત , બુફે સિસ્ટમમાં વૃધ્ધો, મહિલાઓ અને બાળકોની હાલત કફોડી થાય છે. તે લોકો લોનમાં બેસી જાય છે અને ભોજન કરે છે! આ પધ્ધતિમાં વાનગી ભરેલ પ્લેટ પકડવાનાં હાથમાં ખાલી ચડી જાય છે. પંગત લિસ્ટમાં પાણી પીરસવાથી પિરસણીયાની કારકિર્દીનો શુભારંભ થાય છે. પછી પ્રુવન એફિસન્યસી અને સિનિયોરીટીના આધારે છાશ, શાક, દાળ, ભાત, દૂધપાક , ફરસાણ, મિઠાઇ પીરસવાના પ્રમોશન મળે છે!!ઘણા લગ્નોત્સુક વાંઢાઓ બેનોની પંગતમાં પિરસણીયા થઇને લગ્નનો હાઇ વે પકડતા હતા !!
હમણાં એક લગ્નમાં ચાંદલાના કાઉન્ટર ખાતે રસપ્રદ સંવાદો સાંભળ્યા.
“નામ બોલો” કાઉન્ટર ચાંદલો લખતા ડેઝગ્નેટેડ ઓફિસર પૂછયું.
“સવજી લવજી” જવાબ.
“કેટલો ચાંદલો?” પૃચ્છા.
“ એક.” જવાબ.
એક હજાર?”
“ના”
“મતલબ?”
તેલનો એક ડબ્બો!!”
“હેંહેંહેં”
પછી તુવેરદાળનું પેકેટ, લીંબુનો હાર, ટમેટાની ક્રેટ,પેટ્રોલનો પાંચ લીટરનો કેરબો, પચાસ કિલો પસ્તી ( અરે પસ્તી પણ પચ્ચીસ ચાલીસ રૂપિયે કીલો વેચાય છે.)
વગેરે ચાંદલા પેટે નોંધાયા!!
– ભરત વૈષ્ણવ

Previous articleરેલ કર્મચારી નિલેશ સોલંકીનુ સન્માન
Next articleવેટ ઘટાડી પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત આપવા માટે મોદીની અપીલ