રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ 47 ડીગ્રી

32

રાજ્યમાં કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો : આગામી દિવસમાં ગરમીનું મોજું યથાવત રહેવાની અને અમદાવાદનું તાપમાન ઉંચુ રહેવાની આગાહી કરાઈ
અમદાવાદ, તા.૧૧
સમગ્ર રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી હીટવેવની અસર વચ્ચે આજે સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં આજે પારો ૪૭ ડિગ્રી પર પહોંચી જતાં રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર બન્યું છે. ઉપરાંત અન્ય શહેરોમાં પણ રેકોર્ડ તાપમાનનોંધાયું છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૩થી ૪૫ ડિગ્રી વચ્ચે નોંધાયો છે. આમ રાજ્યમાં આજે આકાશમાંથી રીતસર અગનગોળા વરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એટલી બધી ગરમી છે કે, લોકો સોશિયલ મીડિયા પર ગરમીના સ્ક્રીનશોર્ટ ફરતા કરી રહ્યા છે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થિતિ એવી છે કે, ભીડભાડવાળા વિસ્તાર પણ સૂમસામ બન્યા છે. આંકડા અનુસાર અમદાવાદ અને વડોદરામાં ગરમીનો પારો લગભગ ૪૬ ડિગ્રીને પણ પાર કરી ગયો છે. આગામી દિવસમાં ગરમીનું મોજું યથાવત રહેવાની અને અમદાવાદનું તાપમાન ઉંચુ રહેવાની આગાહી કરવામાં આવી છે.બુધવારે ક્યાં કેટલી ગરમીઃ અમદાવાદ- ૪૭ ડિગ્રી, ગાંધીનગર- ૪૫ ડિગ્રી, રાજકોટ- ૪૩ ડિગ્રી, સુરત- ૩૮ ડિગ્રી, વડોદરા- ૪૬ ડિગ્રી, ભુજ- ૪૩ ડિગ્રી. મંગળવારની વાત કરવામાં સવારે ૧૧ વાગ્યેથી પારો ૩૬ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. બપોરે પારો ૪૩.૯ ડિગ્રીએ પહોંચી જતા લોકોએ અગન વર્ષા અનુભવી હતી. બપોરે ફૂંકાયેલા ગરમ પવનથી બચવા લોકોએ ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. રાત્રે પવન ફૂંકાતા લોકો ગાર્ડન અને બ્રિજ પર નીકળ્યા હતા રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીની આસપાસ રહ્યો હતો. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૩ ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે. અંદામાન નિકોબારમાં વરસાદ થાય ત્યારે ગુજરાતમાં જે વરસાદ થાય તે પ્રિ-મોન્સુન એક્ટિવિટી ગણાય છે. ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠાંની પણ સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસુપ્રીમે રાષ્ટ્રદ્રોહની કલમ સ્થગિત કરી, નવા કેસ હવે નહીં થઈ શકે