એક માસ પૂર્વે છોકરી ભગાડી જવાના બનાવમાં ઘોઘારોડના શાહરૂખને લમધાર્યો

47

રાત્રે ઘોઘારોડ પર બનેલો બનાવ : જુની અદાવતે બે શખ્સોએ ધોકાના ફટકા અને છરીના બે ઘા ઝીંક્યા
શહેરના ઘોઘારોડ પર રહી રિક્ષા ડ્રાઇવીંગનું કામ કરનાર શાહરૂખ હારૂભાઇ મકવાણા- ખલીફા પોતાના ઘરે સુતો હતો ત્યારે રાત્રીના સુમારે બે શખ્સોએ આવી તેને છરીનો ઘા ઝીંકી તેમજ ધોકા વડે ફટકારી ફરાર થઇ ગયા હતાં. આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનને સર ટી. હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમણે ઉક્ત હકિકતો સાથે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ઘોઘારોડ પર બાપુનગર શેરી નં.૬માં રહેતા શાહરૂખ ખલીફા (ઉ.વ.૨૪) સાથે છોકરી ભગાડી જવાના મનદુઃખમાં તે ફળીયામાં સુતો હતો ત્યારે અજય ઉર્ફે દેવો દેવાભાઇ તથા વિજય ઉર્ફે ગણો દેવાભાઇએ આવી લાકડાના ધોકાનો એક ઘા મારી તથા માથાની ડાબી બાજુ છરીનો ઘા મારી અને બીજો ઘા પડખામાં ઝીંકી લોહીયાળ ઇજા કરી હતી. બનાવ સમયે દેકારો મચતા શાહરૂખના પરિવારજનો આવી જતા હુમલાખોર બંને શખ્સો ફરાર થઇ ગયા હતાં. આ સાથે આ વખતે તું બચી ગયો છો પરંતુ બીજીવાર વાકમાં આવીશ તો જાનથી જઇશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસ સ્ટેશને વિવિધ કલમો તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.