વલભીપુર પાલિકામાં કમિટીના ચેરમેનો માત્ર નામના ; ‘વહીવટ’માં અધિકારી રાજ !

312

પાંચ કમિટીના ચેરમેનોએ ત્રસ્ત થઈ રાજીનામાં ધરી દીધા, ભાજપ પ્રમુખના ગામમાં જ બબાલ
ભા.જ.પ.શાસિત વલભીપુર નગરપાલીકામાં એક સાથે પાંચ સમિતિઓના ચેરમેનોએ સામૂહિક રાજીનામુ ધરી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ભાજપના અસંતોષનો ઉકળતો ચરૂ બહાર આવતા દોડધામ મચી ગઇ છે. સામાન્ય રીતે અધિકારી રાજ સામે પ્રજાજનોની ફરિયાદ રહેતી હોય છે પરંતુ અહીં ખુદ શાસક પક્ષના ચૂંટાયેલા સભ્યો અરજદાર બની ગયા છે! મળતી વિગત મુજબ વલભીપુર નગરપાલીકાના કારોબારી ચેરમેન વાનાણી સિવાયના જેમાં બાંધકામ ચેરમેન વિજયસિંહ ગોહિલ, વિજળી ચેરમેન મહેશભાઇ (મુન્નાભાઇ), સફાઇ ચેરમેન પાયલબેન મકવાણા,પાણી પુરવઠા ચેરમેન. ભોળાભાઇ ચાવડા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન સાગઠીયા દ્વારા આજે શહેર ભા.જ.પ.પ્રમુખ નિતીનભાઇ ગુજરાતીને પોતાના ચેરમેન પદેથી રાજીનામા અને સભ્ય તરીકે શરૂ રહેવાના લેખીત પત્ર સુપ્રત કરેલ છે અને આ પત્રમાં તમામ ચેરમેનોએ એવો આક્ષેપ કરેલ છે કે નગરપાલીકા પ્રમુખ અને ચીફ ઓફીસર ચેરમેનોને વિશ્વાસમાં લીધા વગર દરેક કાર્યો કરે છે અને ચુંટાયેલા સભ્યો તેમજ સમિતિના ચેરમેનો કરતા પાલીકાના કર્મચારીઓ વધુ દાદાગીરી સાથે ધાર્યુ કરાવતા હોવા છતાં તેના ઉપર કોઇનો કંન્ટ્રોલ નથી.!