ઇડરના ગાંઠીયોલ ગામે એક જ ફળિયામાં ૧૬ જણને ફૂડ પોઇઝનીંગ

1288

ઇડરના ગાંઠીયોલમાં પટેલ ફળિયાના ૧૬ જેટલા લોકોને શનિવારે બપોર બાદ એકાએક ઝાડા-ઉલ્ટીની અસર થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ તમામ અસરગ્રસ્તને જેશિંગબાપા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ રહી છે. રોગચાળા ફૂડ પોઇઝનીંગ કે પાણીજન્ય હોવાનું તબીબ જણાવી રહ્યાં છે. શનિવારની આ ઘટના બાદ આજે સોમવારે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઇડરના ગાંઠીયોલમાં પટેલ ફળિયામાં રહેતા લોકોને શનિવારે બપોર બાદથી એક પછી એક એમ પેટમાં ચુંકો આવવી શરૃ થઈ ઝાડા-ઉલ્ટી થઇ જતાં, તમામ અસરગ્રસ્તોને ગામની શ્રીમદ્‌ જેશિંગબાપા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતા. શનિવારથી અત્યાર સુધીમાં આ ફળિયાના ૧૬ જેટલા લોકોને સારવાર અપાઇ હોવાનું તબીબ વાસુદેવ ગોસ્વામીએ જણાવ્યું હતું.

અસરગ્રસ્તોમાં આ ફળિયામાં રહેતા હોસ્પિટલના બે કર્મચારીનો પણ સમાવેશ થાય છે. તબિબના પ્રાથમિક નિદાનમાં આ ફૂડ પોઇઝનીંગ કે પાણીજન્ય રોગચાળો હોવાનું જણાઇ આવ્યું છે. આ રોગચાળાને લઇ ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. શનિવારથી શરૃ થયેલ રોગચાળા બાદ આજે સોમવારે આરોગ્ય તંત્રની ટીમ ગામની મુલાકાત લઇ વિગતો એકઠી કરી છે. સાથે જ આ બિમારી અન્યત્ર ન પ્રસરે તે દિશામાં પણ પ્રયાસ આરંભ્યા છે

Previous articleસિવીલ ખાતે ૧લી જૂન બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
Next articleવીજ ઉત્પાદનમાં સરપ્લસના દાવા કરતી સરકારની પોલ ખુલ્લી પડી