ગુજરાતમાં આર્થિક અનામતને કેબિનેટની મંજૂરી

627

કેન્દ્ર સરકારે જાહેર કર્યા બાદ આર્થિક અનામત લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વના નિર્ણય લેવાયો હતો. કેબિનેટની બેઠકમાં તેની મંજૂરી આપી દેવામાં આવી છે. ૧૦ ટકા આર્થિક અનામતમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરાઈ છે. દર ૧૦ નોકરીમાંથી મહિલાઓને ૩.૩ ટકાનો લાભ મળશે. યોગ્યતા ૧૯૭૮ પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, આર્થિક રીતે પછાત વર્ગના યુવાઓ-વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારે ૧૦ ટકા આર્થિક અનામત આપવાનો કાયદો બનાવ્યો છે. તે અન્વયે ગુજરાત સરકારે પણ સમગ્ર દેશમાં પ્રથમવાર આ કાયદાનો અમલ કરવાનો નિર્ણય કરીને વાર્ષિક રૂ.૮ લાખથી ઓછી આવક ધરાવતા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા યુવાનોને ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સામાજિક સમરસતા માટે આર્થિક અનામત આપવા માટેના જે ધારાધોરણો નક્કી કરાયાં છે, તે મુજબ ગુજરાતમાં પણ આર્થિક રીતે નબળા યુવાનોને સહાયરૂપ થવાં મંત્રીમંડળના સભ્યો, સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી આ મહત્વનો નિર્ણય કર્યો છે.

પટેલે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ ટકા આર્થિક અનામત આપવા માટે વાર્ષિક રૂ.૮ લાખની આવક સાથે જમીન માલિકી તથા રહેણાંકના ઘરની માલિકી અથવા ખુલ્લા પ્લોટની માલિકી ધરાવવી એવી વિવિધ જોગવાઇઓ સાથે કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે ધારાધોરણો રાખ્યા છે પરંતુ ગુજરાત સરકારે ફક્ત આવકનું એક જ ધોરણ રાખી વાર્ષિક રૂ. ૮ લાખથી ઓછી આવક ધરાવતાં સવર્ણ સમાજના પરિવારના યુવાનોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે આર્થિક અનામતના લાભો આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે ટૂંક સમયમાં મંત્રીમંડળે કરેલા નિર્ણય પ્રમાણે રાજ્ય સરકારનું નોટિફિકેશન બહાર પડશે. પટેલે ઉમેર્યુ કે, વાર્ષિક રૂ. ૮ લાખની આવકમાં ઉમેદવાર પોતે તેમના માતા-પિતા અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ભાઇ-બહેનની આવક ગણવામાં આવશે. આ આવકમાં કોઇ પણ નોકરીનો પગાર, ખેતીવાડીની આવક, ધંધા-વ્યવસાયની આવક વગેરે સહિત ગણવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ ૧૯૭૮ પહેલાથી વસતાં હોય તેવા તમામ સવર્ણ સમાજના કુંટુંબની વાર્ષિક આવક રૂ. ૮ લાખથી ઓછી થતી હોય તેવાં યુવાનો અને વિદ્યાર્થીઓનો આ ૧૦ ટકા આર્થિક અનામતનો લાભો મળશે. આ ઉપરાંત રાજ્ય સરકારની નીતિ પ્રમાણે દરેક ભરતીમાં ૩૩% બેઠકો મહિલાઓ માટે અનામત રખાય છે. તે જ પ્રમાણે સવર્ણ સમાજની અનામત બેઠકોમાં પણ ૩૩ % બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.

Previous articleકોંગ્રેસમાં પક્ષ પછી પરિવાર પહેલા, ભાઈ-બહેનને જોડી કોંગ્રેસને ડુબાડશે : રૂપાણી
Next articleપ્રિયંકા ગાંધી દુર્ગા, ઇન્દિરાજીનાં આધુનિક અવતાર : પરેશ ધાનાણી