વર્ક કલ્ચરથી ગુજરાતને વિકાસ રાહે અવ્વલ અને અડિખમ રાખશે : રૂપાણી

1372

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૯મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા રાજયના નીતિ નિર્ધારક અને અમલીકરણ અધિકારીઓ મંત્રીશ્રીઓને ટીમ ગુજરાત તરીકે કલેકટિવ રિસ્પોન્સિબિલિટી, કલેકિટવ ડિસિશન અને કલેકિટવ વર્ક કલ્ચરથી કાર્યરત થવા આહવાન કર્યું છે. તેમણે કહયું કે આ ત્રિદિવસીય શિબિર ગુજરાતની વહીવટી કાર્યસંસ્કૃતિ અને પ્રજા કલ્યાણ વિકાસ કામોને નવી દિશા આપશે. પ્રજાના હિત માટેના નિર્ણયો ઇમાનદારી અને પ્રમાણિકતાથી કરી જી.આર.ને વળગી રહેવાને બદલે તેનો હાર્દ પકડી સંવેદનશીલતા અને પારદર્શિતાથી જનકલ્યાણને પ્રાધાન્ય આપી કાર્ય સંતોષ સાથે આત્મસંતોષ મેળવવાનો સેવા ધ્યેય હોવો જોઇએ. વિજયભાઇ રૂપાણીએ લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની સાથે લોકોને મદદરૂપ થવાની સંવેદના જ સરકાર પ્રત્યે લોકોની ઇમેજ પ્રજાપ્રિયતા અને ગુડ ગર્વનન્સની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.  તેમણે આ ચિંતન શિબિર એ દિશામાં સામૂહિક મનન-મંથનનું ઓપન પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વિકાસની નવી છલાંગ મારવા અને વિકાસના તમામ પેરામીટર્સમાં ગુજરાતને અવ્વલ રાખવાનું વૈચારિક ભાથું આ શિબિર પૂરૂ પાડશે. તેમણે શિબિરના વિવિધ સત્રોમાં મુકતમને વિચારો વ્યકત કરીને કઇક નવું કરવાની, પ્રજા વર્ગોનું ભલુ કરવાની દિશામાં વૈચારિક, આત્મિક અને આંતરિક શકિતથી સહભાગી થવા પ્રેરણા આપી હતી. વિજય રૂપાણીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય અને તે પણ ચર્ચા-વિચારણા કરીને કરવાની આવશ્યકતા સમજાવતાં કહયું કે અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે. જે સરકારો ઝડપી નિર્ણયો કરે તે જ લોકોનું ભલું કરનારી સરકાર છે તેવી માનસિકતા બની ગઇ છે ત્યારે સમગ્ર વર્ક કલ્ચરલ બદલીને પ્રજાના કામો આપોઆપ થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમણે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતને દરેક ક્ષેત્રમાં નંબર-૧ બનાવવા અને વ્યથા નહીં વ્યવસ્થા તેમજ જયાં માનવી ત્યાં સુવિધાના ભાવ સાથે આ ચિંતન શિબિર ગુજરાતને વિકાસ રાહે અડિખમ રાખવાનો એક નવો આયામ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.વિજય રૂપાણીએ પ્રશાસનના દરેક વિભાગને સમાજના છેવાડાના માનવીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઓછામાં ઓછા દશ સંકલ્પો કરી તેને પાર પાડવા માટેનો રોડ મેપ તૈયાર કરવા સુચન કર્યું હતું.

મુખ્યમંત્રીએ લાક્ષણિક રીતે જણાવ્યું હતું કે ઇસ કિનારે કો તો બહુત જાન ચૂકે, અબ છલાંગ લગાવો, અગર નયા કિનારા મિલેગા તો નઇ દુનિયા મિલેગી. ગુજરાતમાં રાજકીય વાતાવરણ સારૂં છે, અન્ય રાજયો કરતાં અલગ પ્રશાસનિક સંસ્કૃતિ છે, ત્યારે લોકકલ્યાણના ધાર્યા પરિણામો મેળવી શકાશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો. સૌને સીએમ ડેશબોર્ડ સાથે જોડાવાનો અનુરોધ કર્યો અને જણાવ્યું કે હવે બધુ જ ડેટાબેઝડ બની રહયું છે ત્યારે પરર્ફોમન્સ જ સી.આર.ની ગરજ સારશે.

મુખ્યમંત્રીએ પબ્લીક ડીલીંગમાં વધુ સારી અને લોકોને સંતોષ આપનારી સેવા આપવાનો ધ્યેય રાખવાનો અનુરોધ  કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમસ્યાઓ ભલે અંતહિન હોય પણ દરેકનું સમાધાન હોય છે. આપણે મોકળાશથી સાથે મળીને વિચાર વિમર્શ કરીએ અને લોક સમસ્યાઓના ઉકેલ શોધીએ. સામૂહિક અને મુકતચિંતનથી રાજયને વિકાસની સચોટ દિશામાં લઇ જવાનો વિશ્વાસ એમણે વ્યકત કર્યો હતો. પ્રશાસકોની યુવાપેઢી ટેકનોસેવી છે ત્યારે ટેકનોલોજીના વિનિયોગને જનકલ્યાણનું સશકત માધ્યમ બનાવવા પર તેમણે ભાર મૂકયો હતો. ગુજરાત ટોચ પર છે અને દેશ ગુજરાત પાસેથી દિશા દર્શનની અપેક્ષા રાખે છે આપણે એ અપેક્ષા સંતોષીએ.

Previous articleજગન્નાથજી રથયાત્રાના આગમનનાં એંધાણ
Next articleતમામ સરકારી યુનિ. માટે કોમન એકેડેમિક કેલેન્ડરનો અમલ