વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને ગાંધીનગર જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મધુર ડેરી ખાતે ત્રણ દિવસની યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તા. ૨૧ જુનના રોજ આ શિબિરના સમાપન કાર્યક્રમ અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મધુર ડેરીના કર્મચારીઓએ સવારના ૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા સુધી વિવિધ યોગ આસનો દ્વારા શરીર અને મનની તંદુરસ્તી માટે નિયમિત યોગ પ્રાણાયામ કરવાની શરૂઆત કરી હતી.
કાર્યક્રમમાં મધુર ડેરીના ચેરમેનશ્રી ડૉ. શંકરસિંહ રાણા તેમજ ગાંધીનગર જિલ્લા રજીસ્ટ્રારશ્રી શ્વેતાબેન પટેલે પણ યોગ પ્રાણાયામ કસરતમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધન કરતા ડેરીના ચેરમેનશ્રીએ જણાવ્યુ હતુ કે દિવસે દિવસે મધુર ડેરી એડવાન્સ બની રહી છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડેરીના કર્મચારીઓને યોગ અને પ્રાણાયામ શીખવી તંદુરસ્તીના પાઠ પણ શીખવવામાં આવે છે. માત્ર યોગ દિવસની ઉજવણી જ નહિ પણ દર વર્ષે નવા નવા પ્રયોગો થકી યોગને અગત્યતા આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મધુર ડેરીના કર્મચારીઓ માટે યોગા પ્રાણાયામના ક્લાસ પણ હવે શરૂ કરવાનુ આયોજન છે. આ વર્ષે સંયુક્ત આયોજન કરવા બદલ જિલ્લા રજિસ્ટ્રારને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.