ખેડૂતોને જે પણ નુકસાન થયું છે મળવાપાત્ર સહાય ચુકવાશે : મહેસુલપ્રધાન

1239

રાજ્ય સરકારમાં મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે આજે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ કૌશિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે રાહત-બચાવની કામગીરી યુદ્ધના સ્તરે ચાલી રહી છે. જે યોગ્ય સમયે પૂર્ણ થશે. રાજ્યમાં જે વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે પાણી ઓસરે પછી કરવામાં આવશે. અસરગ્રસ્તોને જે પણ મળવાપાત્ર સહાય હશે તે ચૂકવવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.

કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪ ટકા વરસાદ થયો છે. છેલ્લી ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ જિલ્લાના ૧૪૦ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની તીવ્રતા વધુ હતી. ગઇકાલે મોડી રાત્રે મુખ્યપ્રધાને સોમનાથ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓએ વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવની કામગીરીનો તાગ મેળવ્યો અને સરકારી તંત્રને વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા સૂચના આપી. વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ તંત્રને રાહત-બચાવની કામગીરીમાં ઝડપ લાવવા તાકીદ કરી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યમાં ૨૦ એનડીઆરએફની ટીમ કાર્યરત છે. નીચાણવાળા વિસ્તારમાં અત્યાર સુધી ૪ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ૫૦૦થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવા તથા ફૂડ-પેકેટ પહોંચાડવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદથી જ્યાં પણ ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે. ત્યારબાદ તમામ ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવશે.

કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી વિવિધ કારણોસર ૩૨ લોકોના મોત થયા છે. આ સાથે ૧૨૫ પશુઓના પણ મોત થયા છે. ૧૪ માનવ મૃત્યુ સંદર્ભે સહાય પણ ચુકવી દેવામાં આવી છે. આ સાથે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સરકાર અને તંત્ર મદદ માટે તૈયાર છે.

Previous articleશક્તિસિંહનો સીએમને પત્ર, રાજકીય કાર્યક્રમને બદલે રાહત કામગીરી કરો
Next articleગુજરાત હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર, દર વર્ષે શિક્ષણ નીતિ બદલો નહીં