ભારે વરસાદના કારણે રાજ્યના ૧૩ જળાશયો હાઇએલર્ટ, ૫ ડેમ એલર્ટ

1816

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી રહેલા સતત ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઇ રહી છે. રાજય પૂર નિયંત્રણ એકમ (ગાંધીનગર) દ્વારા મળતી માહિતી મુજબ, રાજયના ૧૩ જળાશયો છલકાઇ જતા હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે પાંચ ડેમો (જળાશયો)ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨ જળાશયોમાં સારી એવી પાણીની આવક થઇ રહી હોવીથી, આ ડેમોના નીચાણવાળા વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત માટે મહત્વનો ડેમ એવા નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાંથી વરસાદની સારી એવી પાણીની આવક વધી રહી છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમની જળસપાટી ૧૧૧.૨૪ મીટર છે. એટલે કે, સરદાર સરોવર ડેમ ૩૯.૭૯ ટકા ભરાયો છે.

રાજ્યમાં જે જળાશયો સૂંપર્ણ ભરાઇ ગયા છે તેમાં નવસારી જિલ્લાના ઝૂંજ, અમરેલીના વડિયા, જામનગરના પુના, ભાવનગરનાં રોજકી અને બગડ, ગીર-સોમનાથના મચ્છુન્દ્રી, જામનગરનાં ઉન્ડ-૩, નવસારીનાં કેલીયા અને તાપીનાં દોસવાડા જળાશય સંપૂર્ણ ભરાઇ ગયા છે. ગીર-સોમનાથ જિલ્લાના રાવલ, શિંગોડા ડેમ, તથા રાજકોટના ભાદર-૨, જૂનાગઢના ઓઝત-૨, મધુવંતી એમ કૂલ પાંચ જળાશયોને હાઇ એલર્ટ જાહેર કરાયા છે. રાજયના તમામ જળાશયોનો કુલ જથ્થો ગણીએ તો, હાલની સ્થિતિએ ગુજરાતના તમામ જળાશયોનો સરેરાશ જથ્થો ૩૪.૪૧ ટકા છે. એટલે કે, ગુજરાતમાં તમામ જળાશયો (નર્મદા ડેમ સહિત)ની કુલ સંગ્રહ ક્ષમતાની સામે આ જળાશયોમાં ૩૪.૪૨ ટકા ભરેલા (પાણીનો જથ્થો) છે. અતિભાર વરસાદની સ્થિતિમાં કચ્છની સ્થિતિ આજની તારીખે ખરાબ છે. કેમ કે, કચ્છ જિલ્લાના જળાશયોમાં હવે માત્ર ૪.૪૨ ટકા પાણીનો જથ્થો જ બચ્યો છે અને નોંધપાત્ર વરસાદ હજુ કચ્છમાં પડ્‌યો નથી. સૌરાષ્ટ્રની તમામ જળાશયોમાં હાલની સ્થિતિએ ૩૭ ટકા પાણીનો જથ્થો છે અને આમાં વધારો થઇ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના જળાશયો ૮૫ ટકા જેટલા ભરાઇ ગયા છે. બુધવાર (૧૮ જુલાઇ) સવારની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ ૪૩.૮૩ ટકા વરસાદ થઇ ચૂક્યો છે.  છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૨૯ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં વરસાદ પડ્‌યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકમાં ૧૬ ઇંચ વરસાદ પડ્‌યો છે.

Previous articleસૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત વેરાવળમાં છ, મેંદરડામાં પ ઈંચ વરસાદ
Next articleભાવનગરમાંથી સેંકડો ટ્રક માલિકો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળમા