NMC બિલના વિરોધમાં રાજ્યભરના ર૬ હજારથી વધારે ડોકટરો હડતાળમાં જોડાશે

1679

તબીબી સેવા અને શિક્ષણ પર તરાપ સમાન લોકશાહી વિરોધી અને ગરીબો વિરોધી એવું વિવાદીત નેશનલ મેડિકલ કમીશન (એનએમસી) બીલ-૨૦૧૭ના વિરોધમાં આવતીકાલે ગુજરાતભરના ડોકટરો હડતાળ પર જવાના છે. જેના કારણે સવારે ૬-૦૦ વાગ્યાથી લઇ સાંજના ૬-૦૦ વાગ્યા સુધી રાજયના તમામ દવાખાના, લેબોરેટરીમાં આરોગ્ય વિષયક સેવા ખોરવાઇ જશે. જો કે, આકસ્મિક અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારના વિવાદીત એનએમસી બીલના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના પોણા ત્રણ લાખથી વધુ ડોકટરો પણ આવતીકાલની હડતાળમાં જોડાઇ પોતાનો વિરોધ વ્યકત કરશે.   એનએમસી બીલ બિનલોકશાહી, ગરીબ વિદ્યાર્થીઓને નુકસાનકર્તા અને તબીબી સેવા અને શિક્ષણના અસ્તિત્વ પર ખતરા સમાન હોઇ કેન્દ્ર સરકારે તાત્કાલિક તેને પાછું ખેંચવું જોઇએ એવી જોરદાર માંગણી આજે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત રાજય બ્રાંચના પ્રમુખ ડો.ભૂપેન્દ્ર શાહ અને માનદ્‌ મંત્રી ડો.કમલેશ સૈનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રના વિવાદીત એનએમસી બીલને લઇ થોડા સમય પહેલાં જ શહેરમાં આઇએમએની ૨૧૯મી કારોબારી સમિતિની મહત્વની બેઠક યોજાઇ હતી અને આજે પણ આઇએમએ, ગુજરાત રાજય બ્રાંચની એકશન કમીટીની બેઠક યોજાઇ હતી. જેમાં આ બિલને સૂચિત સુધારા બાદ પણ ધનિકો તરફી ગણાવાયું હતું. એનએમસી બીલના કારણે એકબાજુ ગરીબો અને વંચિત વર્ગ માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે અને બીજીબાજુ સમાજના માત્ર ધનિક અને સાધન સંપન્ન વર્ગના લોકો જ ડોક્ટર્સ બની શકશે, જે બાબત કોઇપણ ભોગે સ્વીકાર્ય ના હોઇ શકે. હાલમાં મોટાભાગના રાજ્યોમાં સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ફી નિશ્ચિત કરતી સમિતિની રચના કરાઈ છે. આથી મોટાભાગના રાજ્યોમાં રાજ્ય સરકારો ખાનગી મેડિકલ કોલેજોમાં ૫૦ ટકાનો ક્વોટા ધરાવે છે. આ સરકારો દ્વારા મેરીટના આધારે પસંદ કરાયેલા વિદ્યાર્થી સરકારી મેડિકલ કોલેજો જેટલી ફી ચૂકવે છે. હાલ મેડિકલમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશની તક પ્રાપ્ય છે પરંતુ એનએમસી બીલ મારફતે કેન્દ્ર સરકાર આ બધું જ બદલી નાંખવા માગે છે. હકીકતમાં આ એવું બીલ છે, જે ધનિકો માટે અનામત ધરાવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત રાજય બ્રાંચના પ્રમુખ ડો.ભૂપેન્દ્ર શાહ અને માનદ્‌ મંત્રી ડો.કમલેશ સૈનીએ વધુમાં જણાવ્યું કે,એમબીબીએસની ફાઈનલ પરીક્ષાને કેન્દ્રીય સ્તરે સંચાલિત રાખવાનો વિચાર ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હાનીકારક હશે. આ પરીક્ષાઓ શહેરી અને ધનિક વર્ગ પ્રત્યે પૂર્વગ્રહથી તૈયાર થઈ હશે, જેનાથી ગરીબ અને પછાત વર્ગના સમાજના વિદ્યાર્થીઓને વંચિત રખાશે. સ્ટેટ મેડિકલ કાઉન્સિલ્સની રચના રાજ્ય વિધાનસભાના કાયદાઓ દ્વારા થઈ છે. તે સંપૂર્ણપણે રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ છે અને તેઓ ખાસકરીને મેડિકલ પ્રેક્ટિસના નિયમનમાં કામ કરવા માટે સ્વતંત્ર છે. તેઓ મેડિકલ શિક્ષણમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. એનએમસીના અમલથી મેડિકલ શિક્ષણ પર નિયંત્રણો મૂકાશે અને પસંદગીનો અભાવ આવશે. દરેક પ્રકારના મુદ્દાઓ માટે રાજ્યની મેડિકલ પરિષદોએ નેશનલ મેડિકલ કમિશન હેઠળ બંધનકારક બની જશે. બીલનું સમવાય વિરોધી માળખુ રાજ્ય સરકારો, રાજ્ય મેડિકલ પરિષદો અને રાજ્યની હેલ્થ યુનિવર્સિટીઓને હાંસિયામાં ધકેલી દે છે, જે બંધારણ અને ભારતની કલ્પના પર સીધો હુમલો છે. તબીબી વ્યવસાયની સ્વાયત્તતાને કચડી નાખવાના દેશના સ્વાસ્થ્ય પર અણધાર્યા પરિણામો આવશે, જેને આગામી સમયમાં અનેક પેઢીઓ સુધી દૂર કરી શકાશે નહીં. એનએમસી જેવો ગરીબો વિરોધી, લોકો વિરોધી અને સમવાય વિરોધી કાયદો પસાર થઈ જશે તો માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર પર જ નહીં, પરંતુ દેશના સમવાયી માળખા પર પણ ગંભીર અસર પડશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે તેની કટીબદ્ધતા પૂરી કરવા નેશનલ મેડિકલ કમિશન ૨૦૧૭ને નકારી કાઢે છે અને સીધા લોકો સમક્ષ આ મુદ્દો લઈ જઈને લોકો વિરોધી આ ખરડા સામે લડત ચલાવવાનો ઠરાવ પસાર કરે છે. સરકાર બળજબરીપૂર્વક આ બીલ પસાર કરવાનો પ્રયાસ કરશે તો સરકારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

Previous articleપાણીપુરી ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડાથી ભારે ચકચાર
Next articleગુજરાત : ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા નીતિ જાહેર : ખાળકૂવાની માનવીય સફાઈ નાબૂદ