ગાંધીનગર જિલ્લાની મહેસુલી ચિંતન શિબીર યોજાઇ

1032

ગાંધીનગર જિલ્લાની મહેસુલી અધિકારી-કર્મચારીઓની ચિંતન શિબિરનું ઉદઘાટન કર્યા બાદ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, મહેસુલી તંત્ર સીધુ પ્રજા સાથે સંકળાયેલ છે. ખાસ કરીને ગ્રામીણ પ્રજાના ર્સ્પશતા પ્રશ્નનો સત્વરે નિકાલ થાય તેવી પારદર્શક અને સંવેદનાસભર કામગીરી કરવી જોઇએ. મહેસુલ વિભાગને તુમાર મુક્ત કરી પ્રજાના પ્રશ્નના ઝડપી નિકાલ માટે સંવેદનશીલ બનવાનો સંકલ્પ કરીએ. ગાંધીનગર જિલ્લો મહેસુલી કામગીરીમાં આગવી ઓળખ બનીને સમગ્ર રાજયમાં બ્રાન્ડીંગ ડિસ્ટ્રીક્ટ બને અને હકારાત્મક પ્રજાભિમુખ વર્તન અને વ્યવહાર દ્વારા વહીવટી સુધારાઓનો અમલ કરે તેવી અપીલ કરી હતી.

સર્વિસ વીથ સ્માઇલ સાથે સંવેદના અને કરૂણાની ભાવનાથી પ્રજાના પ્રશ્નો હલ કરવાની વિપુલ તકો મહેસુલ કર્મીઓ વિલંબ નિવારણ સાથે કાર્ય કરે અને રાજય સરકાર દ્વારા મહેસુલ તંત્રને પ્રાપ્ત થયેલ અદ્યતન સુવિધાઓનો મહત ઉપયોગ કરી કાર્યપદ્ધતિમાં બદલાવ લાવવા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે અનુરોધ કર્યો હતો. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા આજની ચિંતન શિબિરમાં ઓપન માઇન્ડથી ચર્ચા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે મહેસુલી કર્મીઓ પોતાની ક્ષમતા અને વિચારો રજૂ કરવાની તકનો લાભ લઇ વઘુ સજ્જતા કેળવવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર એસ.કે.લાંગા એ જણાવ્યું હતું કે, મહેસુલી તંત્ર પ્રથમ સ્તંભ સમાન છે. ગાંધીનગર જિલ્લાની ૮૫ ટકા ડેટાબેઝની કામગીરી પૂર્ણ થઇ છે. સચિવાલય થી તાલુકા કક્ષા સુધી મુલ્કી અધિકારીઓએ ઘણા નિર્ણયો અને અમલીકરણ સાથે પ્રજાને ર્સ્પશતા પ્રશ્નો ઉકેલવાના હોય છે, ત્યારે આગામી દિવસોમાં મહેસુલ તંત્રની સરળ કામગીરી માટે ઘણા બધા ફેરફારો આવે તેના માટે કર્મચારીઓ વધુ સજ્જ બની ત્રુટીઓ અને ખામીઓનું નિરા-કરણ કરવું પડશે. કુદરતી આપત્તિઓમાં મહેસુલ વિભાગ ખંત અને નિષ્ઠાથી ફરજ અદા કરીને પુનઃનિર્માણ અને પુનઃ વસનની કામગીરી બજાવે છે, ગાંધીનગર જિલ્લાને મહેસુલી પ્રશ્નોથી મુક્ત બનાવીએ તેવી કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું.

નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૪થી ચિંતન શિબિરના આયોજનની શરૂઆત થઇ હતી. જેના દ્વારા નીતીઓ, કાર્યપદ્ધતિ, ભવિષ્યના આયોજન  અને નવી દિશા દ્વારા પ્રજાની અપેક્ષાઓ ઝડપી પૂર્ણ થાય અને નવા ઉપાયો શોધવાની અને પોતાના વિચારો રજૂ કરવાની તક ચિંતન શિબિરના માધ્યમથી મળી છે. ગાંધીનગર જિલ્લાના મહેસુલી કર્મચારીઓને પોતાના વડાઓ સમક્ષ આ વિચારો રજૂ કરીને ચિંતન શિબિરને સાચા અર્થમાં સાર્થક કરવા જણાવ્યું હતું.

Previous articleશ્રાવણમાં ઉપવાસભંગનો કારસોઃ ફરાળી લોટમાં ઘઉંનો લોટ મિક્સ કરી વેચવાનું કૌભાંડ
Next articleભાડા ગામના યુવાનને માર મારનાર PSI સામે કાર્યવાહી કરવા રજૂઆત