વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ગૃહમંત્રીએ ફોરેન્સિકની મુલાકાત લીધી

1146

ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના વડાપ્રઘાનના કાર્યક્રમ સંદર્ભે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આવતી કાલે ૨૩મી ઓગસ્ટે સાંજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે. આ સંદર્ભે ગૃહ રાજય મંત્રીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લઇને કાયદો – વ્યવસ્થા, સભા મંડપ, મુખ્ય સ્ટેજ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી વિવિધ માહિતી મેળવી હતી.

આ પ્રસંગે રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોરેન્સિક સાયન્સ યુનિ.ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તા.ર૩ ઓગસ્ટના રોજ ગાંધીનગર આવવાના છે જેને અનુલક્ષીને ગાંધીનગરના વહીવટી તંત્રની સાથે પોલીસ પણ એલર્ટ મોડ ઉપર મુકાઈ ગઈ છે. આજે બંદોબસ્તનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર ગાંધીનગરના પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા સંદર્ભે ચકાસણી કરી જરૃરી સૂચનો પણ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાંથી દિલ્હી ખાતે ગયા બાદ અવારનવાર તેમની મુલાકાતો થતી રહી છે. ગાંધીનગરમાં પોલીસ પણ વડાપ્રધાનની સુરક્ષાને લઈ કોઈ ચૂક રાખવા માંગતી નથી. નિયત રૃટ મુજબ વડાપ્રધાન તા.ર૩ ઓગસ્ટે સાંજે અમદાવાદ એરપોર્ટથી હેલીકોપ્ટર મારફતે સચિવાલય હેલીપેડ ખાતે પહોંચશે અને ત્યાંથી વાહન માર્ગે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી ખાતે પહોંચશે. જેથી પોલીસ દ્વારા આ માર્ગ ઉપર સઘન સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે તો હવામાનને ધ્યાને રાખી એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. વડાપ્રધાન હેલીકોપ્ટરના બદલે રોડ માર્ગે પણ આવી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. ગાંધીનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ અધિકારી, જવાનોને સુરક્ષા અર્થે તેડાવવામાં આવ્યા છે. આજે  આ સમગ્ર બંદોબસ્તનું રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન જે જે માર્ગ ઉપરથી પસાર થવાના છે ત્યાં પોલીસે વાહનો સાથે તપાસ કરી હતી.

તો વડાપ્રધાનની સુરક્ષામાં રહેલા એસપીજી કર્મીઓ પણ છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં આવી ગયા છે અને સ્થાનિક પોલીસ સાથે સતત સંપર્કમાં રહી બંદોબસ્તને લગતી વિગતો મેળવી રહયા છે. ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમને સજ્જડ સુરક્ષા વ્યવસ્થામાં કેદ કરી લેવામાં આવ્યો છે.

તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ રૃટ ઉપર સઘન સફાઈ અભિયાન પણ શરૃ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ હોવાથી રખડતાં ઢોર વડાપ્રધાનના કાફલાને નડે નહીં તે પ્રકારે ઢોર પકડ ઝુંબેશ પણ શરૃ કરી દેવામાં આવી છે.

Previous articleગાંધીનગર શહેર અને જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુએ માથું ઉચક્યું : રોગચાળાની દહેશત
Next articleરાણપુરમાં શાંતાબેન શેઠ ઓડીટોરીયમનું ઉદ્દઘાટન