વિપુલ ચૌધરીનું સભ્યપદ રદ કરવાના નિર્ણયની વિરુદ્ધ સ્ટે

938

ગુજરાત હાઈકોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરીના સભ્ય અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી અને અન્યોને બહુ મોટી રાહત આપી છે. વિપુલ ચૌધરી અને અન્ય સભ્યોનું મહેસાણા દૂધ સાગર ડેરીના પ્રાથમિક સભ્યપદ રદ કરવાના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારના નિર્ણય પર હાઈકોર્ટે સ્ટે મુકી દીધો છે. ગઈકાલે એટલે કે તા.૨૭ સપ્ટેમ્બરના રોજ સહકારી મંડળીઓના રજિસ્ટ્રારે વિપુલ ચૌધરી અને અન્યોનું પ્રાથમિક સભ્યપદ રદ કર્યું હતું જેની સામે હાઇકોર્ટમાં તત્કાલ અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે આ રાહત આપી હતી. અગાઉ રાજ્યના સહકારી રજિસ્ટ્રારે દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, તેમના પત્ની અને માતા ખોટી રીતે સભાસદ બન્યા હોવાની નોટિસ પાઠવી હતી. વર્ષ ૨૦૦૪-૦૫માં વિપુલ ચૌધરી ચેરમેન બન્યા તે સમયે તેમની પત્ની અને માતાને પણ સભાસદ બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહેસાણા દૂધસાગર ડેરીના પેટા કાયદા મુજબ ડેરીને જે દિવસે નોંધણી થઈ તે સમયે જે વ્યક્તિ સભ્યો હતા, તે સિવાય નવા આવેલા વ્યક્તિ સભ્યો બની શકે નહીં, એવી જોગવાઈ કરવામાં આવી હતી. આ ડેરીમાં જે-તે સમયે ૯૮ સભાસદ હતા. તેમજ મૃતક વ્યક્તિ દૂધસાગર ડેરીના સભાસદમાંથી રદ ગણાશે તેવી જોગવાઈ પણ છે અને મૃતક સભાસદના શેર ટ્રાન્સફર થઈ શકશે નહીં તેવી જોગવાઈ હતી. સહકારી રજિસ્ટ્રારના નિર્ણયથી નારાજ વિપુલ ચૌધરી અને અન્યો દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી કરી તેની કાયદેસરતાને પડકારવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સહકારી રજિસ્ટ્રારના નિર્ણય સામે સ્ટે જારી કરી દીધો હતો.

જેને પગલે વિપુલ ચૌધરીને બહુ મોટી રાહત મળી છે તો બીજીબાજુ, સરકાર બેકફુટ પર આવી ગઇ છે. હાઇકોર્ટના સ્ટેના પગલે રાજયના સહકારી ક્ષેત્રમાં પણ આ મામલે ભારે ચર્ચા ચાલી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫માં જ્યારે ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા.આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્‌યા હતા.

Previous articleસરકાર કે ધારાસભ્યોને ખેડૂતો કે જનતાની પડી નથી : હાર્દિક
Next articleસ્વાઈન ફ્લુથી ગુજરાતમાં ભારે દહેશત : વધુ ૩ મોત