નવરાત્રી વેકેશન : રાજય સરકારની મહત્વની સ્પષ્ટતા, શાળાઓ તેમની સવલત અનુસાર નિર્ણય લઈ શકશે

1354

નવરાત્રી-દિવાળી વેકેશનને લઈ સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. સરકાર તરફથી શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે, નવરાત્રી અને દિવાળી વેકેશનને લઈ શિક્ષણ વિભાગ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે, તે મરજીયાત છે. સ્કૂલો પોતાની સવલત અનુસાર, વેકેશનનો નિર્ણય લઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયની પ્રાથમિક શાળાઓમાં ૧૦મી ઓકટોબર થી તા. ૧૭મી ઓકટોબર-૨૦૧૮ દરમિયાન નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગે સી.બી.એસ.સી. તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજયમાં આવેલી સી.બી.એસ.સી. તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે તા.૧૦ ઓકટોબર-૨૦૧૮ થી તા. ૧૭ ઓકટોબર-૨૦૧૮ દરમિયાન નવરાત્રી વેકેશન અને તા.૫મી નવેમ્બર-૨૦૧૮થી તા.૧૮મી નવેમ્બર-૨૦૧૮ દરમિયાન દિવાળી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે. એટલે કે, આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી-દિવાળી વેકેશન રાખી શકશે. આ સિવાય શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.

થોડા દિવસ અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ૧૦ ઓક્ટો.થી ૧૭ ઓક્ટો. સુધી નવરાત્રી વેકેશન આપવામાં આવશે, આને બદલે દિવાળીના વેકેશનમાં ૭ દિવસનો કાપ મૂકવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો હતો. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે જોકે, હવે સરકાર દ્વારા નવરાત્રી અને દિવાળી વેકેશન સ્કૂલની સવલત પર છોડી દઈ, પહેલાનો આદેશ મરજીયાત બનાવી દેતા વિવાદનો અંત આવ્યો છે.

Previous articleગીરમાં સિંહના મોત મામલે મોદીને અહેમદ પટેલનો પત્ર
Next articleખંભલાય માતાજીના મંદિરે ત્રીજા નોરતે માતાજીના યંત્રમ્‌ દર્શનનું આયોજન