ભારે વિરોધ વચ્ચે સ્કુલોમાં નવરાત્રિ વેકેશનનો પ્રારંભ

844

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી અને વિદ્યાર્થીઓની અવઢવ, મૂંઝવણની પરિસ્થિતિ અને વિવાદોની વચ્ચે આજથી શહેરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રીનું વેકેશન પડી ગયું છે. નવરાત્રી વેકેશન દરમિયાન શહેરની ૧૬૮૧ શાળાઓમાં શિક્ષણકાર્ય આજથી નવ દિવસ માટે બંધ રહેશે. શિક્ષણાધિકારી કચેરી શિક્ષણ વિભાગના આદેશનું પાલન કરાવવા માટે મક્કમ છે. બીજીબાજુ, રાજય સરકારના નવરાત્રિ વેકેશનના નિર્ણયનું જે શાળાઓ પાલન નહી કરે તેવી શાળાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની સરકારે ચીમકી ઉચ્ચારી હોવાથી શિક્ષણવિભાગ આ બાબતે પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. અગાઉ ગુજરાત બોર્ડ સિવાયની શાળાઓ કે જે વેકેશનનો વિરોધ કરતી હતી તેવી શાળાઓ તો ઠીક સીબીએસઈની કેટલીક શાળાઓએ પણ વેકેશન જાહેર કરી દીધું છે.

આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવરાત્રિનું વેકેશન પડી ગયું છે.

કોઈપણ શાળામાં શિક્ષણકાર્ય ચાલુ હોય કે ખુલ્લી હોય તેવી ફરિયાદ અમને અત્યાર સુધી મળી નથી. દરેક શાળાઓ તા.૧૮ ઓક્ટોબર સુધી બંધ રહેશે. કેટલીક ખાનગી શાળાઓ આજે ખુલ્લી હોવાની માહિતી હોવા બાબતે અમદાવાદ શહેર ખાનગી શાળા સંચાલક મંડલના પ્રમુખ ધીરેનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કદાચ ટૂંકા સમય માટે નવરાત્રી સેલિબ્રેશન હોય કે પરીક્ષા હોય તો શાળા ખુલ્લી હશે, પરંતુ અમારી પાસે આવી કોઈ ફરિયાદ કે માહિતી આવી નથી. વિદ્યાર્થીઓનું પરીક્ષા ટાણે શિક્ષણકાર્ય અત્યારે બગડશે, પરંતુ સરકારી આદેશ હોઈને તેનું પાલન કરવું જરૂરી હોઇ તમામ ખાનગી શાળાઓ વેકેશનના આદેશનું પાલન કરશે તેવી આશા છે. જો કે, સરકાર અને શિક્ષણવિભાગના અધિકારીઓ શાળાઓ પર ચાંપતી નજર રાખીને બેઠા છે અને કઇ કઇ શાળાઓ વેકેશનના નિર્ણયનું પાલન નથી કરી રહી તેની પર નજર રખાઇ રહી છે. જો આવી કોઇ ફરિયાદ ધ્યાનમાં આવશે તો, સરકારને રિપોર્ટ કરાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.

Previous articleગુજરાતના ૪ શહેરોમાં રિયૂઝ વોટર પ્લાન્ટ સ્થપાશે
Next articleએન્જિનિયરીંગમાં પાસ થવા માટે ૪૦ માર્કસ જરૂરી રહેશે