ગાંધીનગરમાં સિંહની ડણક સંભળાશે, જૂનાગઢથી બે સિંહોને ઇન્દ્રોડા પાર્ક લવાશે

1112

હિંસક પ્રાણીઓ નહીંવત્‌ હોવાને કારણે ગાંધીનગરના પાદરે આવેલા ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેનું આકર્ષણ ગુમાવી રહ્યું છે ત્યારે જ અગાઉની દરખાસ્તને ધ્યાનમાં લઇને હવે જુનાગઢથી સિંહની જોડીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવનાર છે.

દશેરા અથવા તો આગામી દસ દિવસની અંદર આ સિંહની જોડીને ગાંધીનગર લાવવામાં આવશે જે માટેની તૈયારીઓ લગભગ પુર્ણ થઇ ગઇ છે. અહીં પાંજરૃ પણ બનાવી દેવામાં આવ્યું છે તો કેઝ કિપરને ટ્રેનીંગ માટે જુનાગઢ પણ મોકલવામાં આવ્યા છે. એટલે આગામી દિવસોમાં હવે ગીરના દાલામથ્થાની ડણક ગાંધીનગરમાં સાંભળવા મળશે.

છેલ્લી ગણતરી પ્રમાણે સિંહની વસ્તી ગીરમાં વધી રહી છે અને પોતાના વિસ્તારની લડાઇને લઇને તેઓ ગીર અભિયારણ્યની બહાર પણ સ્થાયી થયા છે તો બીજીબાજુ છેલ્લા એક મહિનાથી ગીરની દલખાણીયા રેન્જમાં જે રીતે સિંહ અને તેના પરિવારના મોત થયા છે તે પણ ચિંતાનો વિષય બન્યો છે.

સમગ્ર રાષ્ટ્રનું ગૌરવસમા સૌરાષ્ટ્રના આ સાવજના અસ્તિત્વ માટે હવે સરકાર વિચારી રહી છે અને લાંબાગાળે પણ સિંહને કોઇ તકલીફ ન પડે તે માટેનું સુચારૃ આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજીબાજુ પ્રાણીસંગ્રહાલયમાં સિંહની વસ્તી વધે તે માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

એટલુ જ નહીં, ગીરના દાલામથ્થા માનવભક્ષી સિંહને રેસ્ક્યુ કરીને તેને પણ જુનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના પાદરે આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મારફતે વારંવાર સિંહની માંગણી કરવામાં આવતી હતી જેને ધ્યાને લઇને આખરે જુનાગઢથી સિંહ અને સિંહણની પુખ્ત જોડી ગાંધીનગરમાં લાવવાની લીલીઝંડી મળી ગઇ છે.’

જેને લઇને ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પાર્કમાં પાંજરૃ બનાવવાની તેમજ તેને રાખવા માટેની અન્ય તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો બીજીબાજુ સિંહ પ્રેમીઓમાં પણ સિંહને જોવાની ઇન્તેજારી વધી ગઇ છે અને સિંહના સ્વાગત માટે તૈયારીઓ આરંભાઇ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કના ત્રણ કેઝ કિપરને જુનાગઢના ઝુમાં ટ્રેનીંગમાં મોકલવામાં આવ્યા છ જ્યાં આઠ વર્ષની સિંહણ અને દસ વર્ષના સિંહ કે જેને ગાંધીનગર લાવવામાં આવનાર છે તેની તમામ પ્રકારની માહિતી એકઢી કરશે અને તેના રખાવટ અંગે ટ્રેનીંગ માટે મોકલવામાં આવ્યા છે.

એટલુ જ નહીં, આ સિંહની જોડીની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે જે માટે ગાંધીનગરથી વેટરનરી ડોક્ટર પણ ત્યાં જશે અને તેની મંજુરી બાદ જ સિંહની જોડીને ગાંધીનગર લવાશે. દશેરાએ અથવા તો દસ દિવસની અંદર જુનાગઢ ઝુમાંથી સિંહની જોડીને ગાંધીનગર લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રોડામાં અગાઉ વર્ષ ૨૦૦૧માં એક સિંહ હતો.

Previous articleચાલકે કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી સામે લકઝરી સાથે ધડાકાભેર અથડાઈ
Next articleસિવિલ હોસ્પિટલના સેન્ટ્રલ મેડીકલ સ્ટોરમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યાં