કચ્છ-અમરેલીમાં આસોમાં અષાઢ ગરજ્યો !

1158

અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોએ લીધેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. તેમજ તાલાલા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. આ સિવાય તાલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્‌યો હતો. તેમજ અનેક જગ્યાએ ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા.

અમરેલીના ઇશ્વરિયા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં પણ પવન સાથે વરસાદી છાંટા પડ્‌યા હતા. તેમજ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્‌યો હતો. મોટા લીલીયાના એકલેરા ગામે તેમજ આસપાસ ગ્રામ્યવિસ્તારમા પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. માવઠાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલ મગફળીનો પાક પાકીને તૈયાર થઇ ગયો છે તેમજ કપાસનો પાક પણ હાલ લેવાઇ રહ્યો છે. ત્યારે વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ખેડૂતો આ વરસાદને લઇને ખુશ થવાની સ્થિતિ નથી કારણ કે પિયત કરીને ઊભો કરેલો પાક આ વરસાદને કારણે નુકસાન પામવાની ભીતિ છે. આ વિસ્તારમાં મોટોભાગે મગફળીનું વાવેતર થયેલું છે. ત્યારે આજના કમોસમી વરસાદે પાકને ભારે નુકસાન થઇ શકે છે. પંછકમાં કાજલી ગામે માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયાંના અહેવાલ પણ મળી રહ્યાં છે. હળવાં ઝાપટાં પડ્‌યાં હતાં. આ વિસ્તારના કપાસ અને મકાઈના પાકને તેનાથી નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રપંથકના અમરેલીમાં  ઇસ્વરીયા અને મોટા લીલીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે દેખા દીધી હતી. ધારી સહિતના ગીર જંગલમાં પણ વરસાદના અહેવાલ મળ્યાં હતાં.

Previous articleઆદિવાસીઓના વિરોધ વચ્ચે એક્તા યાત્રાનો પ્રથમ તબક્કો પૂર્ણ
Next articleબજારોમાં હાર-તોરણની ધૂમ