વડોદરાના રસ્તાનું ડામર કામ યોગ્ય નહીં થતું હોવાની ફરિયાદ  : ગ્રામજનોમાં ભારે રોષ

753

ગાંધીનગર તાલુકાના વડોદરા ગામમાં વર્ષો જુના રોડને પહોળો કરવાનો તેમજ પાકો કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે ગુણવત્તાના સવાલો ઉભા થતાં ચેરમેને સ્થળ મુલાકાત લીધી હતી અને હલકી ગુણવત્તાનો ડામર અને કામગીરી થતી હોવાનું સામે આવતાં તેમણે સંબંધિત અધિકારીને સૂચના પણ આપી હતી.

રાજ્યનું પાટનગર હોવાના કારણે ગાંધીનગર શહેરમાં રોડનું કામ ખૂબ ચોક્કસાઇથી થાય છે અને પાટનગરના રોડ પણ સમગ્ર દેશમાં વખણાય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રોડ – રસ્તાની હાલત વિપરીત છે. અહીં માર્ગોનું યોગ્ય કામ નહીં થવાના કારણે તેમજ ગુણવત્તા નહીં જાળવવાના કારણે રીસરફેસીંગના થોડાક જ દિવસોમાં રસ્તા બિસ્માર બની જાય છે.

આ અંગે વારંવાર રજૂઆતો થાય છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતના કારણે કોઇ નિરાકરણ આવતું નથી અને છેલ્લે ગ્રામજનોને જ હેરાન થવાનો વારો આવે છે. ગાંધીનગર તાલુકાના વડોદરા ગામમાં માર્ગને પહોળો કરવા ઉપરાંત ત્યાં નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે.

પરંતુ રોડ ઉપર પુરતા પ્રમાણમાં ડામર નંખાયો નહીં હોવાની તેમજ તેની ગુણવત્તા પણ હલકી હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઇને બાંધકામ ચેરમેને સ્થળ મુલાકાત લીધી જેમાં પણ તેમને યોગ્ય કામગીરી નહીં થતી હોવાનું માલુમ પડયું હતું. ચેરમેનના મત પ્રમાણે અહીં સાત મીટર પહોળો માર્ગ કરવાનો છે.

પરંતુ આસપાસમાં વૃક્ષો કટીંગ નહીં કરીને તેની પહોળાઇ યોગ્ય કરવામાં આવી નથી તેમજ ડામર પણ હલકી ગુણવત્તાનો વપરાય છે તેમ પણ તેમને જણાવ્યું હતું.એટલું જ નહીં આ બાબતે કાર્યપાલક ઇજનેરને ઘટતું કરવા સૂચના પણ આપવામાં આવી હતી.

Previous articleગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કર્યા CBI કચેરીએ દેખાવો
Next articleકલોલ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૬૭૩ ની એપ્રેન્ટીસ તરીકે પસંદગી